
- બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની સંયુક્ત બેઠકમાં નિર્ણય લેવાયો
- રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી અપાશે
- યુનિ. કેમ્પસમાં ફાઈવસ્ટાર હોટલ પણ બનાવાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ ફાઈવસ્ટાર હોટલ બનાવવામાં આવશે. યુનિવર્સિટી ખાતે તાજેતરમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવી હોસ્પિટલ અને સંલગ્ન મેડિકલ કોલેજ શરૂ કરવાની તેમજ નવી હોટલ અને સંલગ્ન હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની વિચારણા હાથ ધરાઈ છે. આ માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીના GMDC પાસેના ગ્રાઉન્ડની 25 કે 35 ટકા જમીન પર નવી મેડિકલ કોલેજ અને 300 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે, જે માટે બોર્ડ અને ઈસી બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી લેવામાં આવી હતી. આ માટે સૌપ્રથમ જમીન માપણી કરી નિયમ મુજબની પ્રક્રિયાઓ કરીને સરકારને મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવશે. સરકારની મંજૂરી લીધા બાદ આગામી વર્ષોમાં 100 બેઠકો માટે મેડિકલ કમિશનમાં કોલેજની દરખાસ્ત કરાશે. આ મેડિકલ કોલેજ NHL મેડિકલ કોલેજ જે પ્રમાણે ચાલે છે તે મોડ પર ચલાવવામાં આવશે. હોસ્પિટલની સાથે સાથે હેલીપેડ પણ બનાવવામાં આવશે કે જેથી ભવિષ્યમાં એર એબ્યુલન્સ લાવવા-લઈ જવાની વ્યવસ્થા પણ થઈ શકશે. એટલું જ નહીં યુનિવર્સિટીના અંધજન મંડળ પાસે આવેલા પ્લોટમાં આગામી દિવસોમાં ફાઈવ સ્ટાર હોટેલ શરૂ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ હોટલની સાથે ઇન્સ્ટિટયુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવશે અને હોટલ મેનેજમેન્ટના કોર્સનું સંચાલન પણ ઇન્સ્ટિટયુટ દ્વારા જ કરવામાં આવશે. આ ઉપરાંત રીસર્ચ પાર્કનું નામ વિદ્યાગૌરી નિલકંઠ રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતુ.