1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધો-10 અને 12ના વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો હોલ ટિકિટ કે પરિણામ અટકાવી શકાશે નહીં
ધો-10 અને 12ના વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો હોલ ટિકિટ કે પરિણામ અટકાવી શકાશે નહીં

ધો-10 અને 12ના વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો હોલ ટિકિટ કે પરિણામ અટકાવી શકાશે નહીં

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે કોઇપણ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવા, હોલ ટિકિટ આપી દેવી અને રિઝલટ પણ સમયસર આપી દેવું. વિદ્યાર્થીની ફી બાબતે વાલી સાથે વાતચીત કરી નિર્ણય કરવાનો રહેશે.

આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો તેમને હોલ ટિકિટ આપવામાં આવતી નથી. હમણાં જ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે.

અમદાવાદ શહેર ડીઇઓ રોહિત ચૌધરીએ પરિપત્ર કરીને તમામ સ્કૂલોના સંચાલક અને આચાર્યને જણાવ્યું છે કે, કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને પરીક્ષામાં ના બેસાડવા, હોલ ટિકિટ ના આપવા અને પરિણામ ના આપવા જેવી ફરિયાદ આવતી હોય છે. સ્કૂલ દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીના માનસ પર વિપરીત અસર થાય છે. સ્કૂલોએ ફી બાકી અંગે વાલી સાથે જ રજૂઆત કરવાની રહેશે. વિદ્યાર્થીની ફી બાકી હોવા છતાં પરીક્ષામાં બેસાડવા, હોલ ટિકિટ આપી અને રિઝલ્ટ પણ આપવાનું રહેશે.

  • જોગવાઇનું ઉલ્લંઘન કરનાર શિસ્ત ભંગના પગલાં લેવાશે

સ્કૂલ દ્વારા અઘટિત કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓના માનસપટલ પર વિપરીત અસર થાય છે. જેના કારણે વિદ્યાર્થીઓ માનસિક રોગના પણ ભોગી બની શકે છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવશે અને કોઈ સ્કૂલ અંગે કોઈ ફરિયાદ મળશે તો તે અંગે તપાસ કરીને નિયમ મુજબ શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે. તમામ સંચાલકો અને આચાર્યએ પોતાના શિક્ષકોને પણ આ બાબતે સૂચના આપવાની રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code