રાજકોટમાં સ્કૂલના બાળકોની આરોગ્ય તપાસમાં 164ને હાર્ટ, 43ને કીડની અને 31ને કેન્સરની બિમારી
રાજકોટ,28 ડિસેમ્બર 2025: Health check-up of school children in Rajkot આરએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત 1 એપ્રિલ 2025થી 23 ડિસેમ્બર 2025 સુધી અલગ અલગ ટીમ બનાવીને 90 જેટલી આંગણ વાડીમાં અને સ્કૂલના 2.90 લાખથી વધુ બાળકોના હેલ્થનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક ચેકઅપ દરમિયાન 164 ભુલકાઓને હાર્ટ, 43ને કિડની, 6ને લીવર અને 31ને કેન્સરની બીમારી હોવાની વિગતો બહાર આવી છે. બિમારીનો બોઘ બનેલા બાળકોને સારવાર અર્થે રાજકોટ અને વધુ જરૂર જણાય તો અમદાવાદ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે એટલે કે 1 એપ્રિલ 2025થી 23 ડિસેમ્બર 2025 સુધી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા 90 જેટલી આંગણ વાડીમાં બાળકોના હેલ્થ ચેકઅપ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 270થી વધુ બાળકોના સ્વાસ્થ્યમાં શંકાસ્પદ રીતે જુદી જુદી બીમારીઓ જોવા મળી છે. આ પ્રાથમિક રિપોર્ટ બાદ તેમને ફર્ધર ટ્રીટમેન્ટ માટે રાજકોટની તેમજ વધુ જરૂર જણાય તો અમદાવાદ હોસ્પિટલ સારવાર માટે સુવિધા આપવામાં આવતી હોય છે.
મ્યુનિના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુની સંખ્યામાં ખૂબ જ વધારો થઇ રહ્યો છે. તેવામાં બાળકોના હેલ્થ ચેકઅપ દરમિયાન પણ સામે આવેલી વિગતો પણ ચિંતાજનક સાબિત થઇ રહી છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને જંકફૂડ જેવા ખોરાકથી દૂર રાખવા અને પૌષિટક આહાર આપવા અપીલ કરવામાં આવી છે. (File photo)


