પાલનપુર, 11 જાન્યુઆરી 2026: બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. છેલ્લા ત્રણ મહિનાથી છેવાડાના તાલુકાઓમાં ઓરીનો કેસ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકામાં ઓરીના કેસમાં વધારો થતાં ગાંધીનગર આરોગ્ય કમિશનરના અધ્યક્ષતામાં ધાનેરા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી. ધાનેરામાં 12 કેસ સામે આવતા ઓરીને લઈને સ્થિતિની સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય કમિશનરે તાબડતોબ 14 તાલુકાના હેલ્થ ઓફિસરોની સાથે બેઠક યોજવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા સહિત તાલુકાના અંતરીયાળ ગામોમાં બાળકોમાં ઓરીના કેસ વધી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં જિલ્લામાં 26 કેસ ઓરીના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી પાલનપુરમાં 6 કેસ, ધાનેરામાં 6 કેસ, લાખણી 4 અને થરાદમાં 4 કેસ નોંધાયા છે. ધાનેરા તાલુકામાં હાલ ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આશા વર્કર અને હેલ્થ વર્કરને સાથે રાખીને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે શિયાળામાં થતા રોગચાળાને નાથવા આરોગ્ય કમિશનરે તાલુકા આરોગ્ય અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દરમિયાન ધાનેરામાં વધતા જતા કેસોને લઈને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ આરોગ્ય કમિશનર સાથે બેઠક યોજી અને તાત્કાલિક ધોરણે આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવા જિલ્લા આરોગ્યતંત્ર અને આરોગ્ય કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
ધાનેરા તાલુકામાં ઓરીના કેસનો રાફડો ફાડતા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ નવ મહિનાના બાળકથી માંડીને પાંચ વર્ષના બાળકને ઓરીના બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. સર્વલેન્સમાં ઘરે ઘરે જઈ હેલ્થ વર્કરો દ્વારા ઓરીના લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે સારવાર પણ શરૂ કરવામાં આવી છે.


