
- આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને આવેદનપત્ર આપ્યુ
- ગ્રેડ પે સુધારવાની માગ સાથે કર્મચારીઓ મક્કમ
- 20 માર્ચે ચાર કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને આપશે
અમદાવાદઃ ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સમાધાન થઈ શક્યુ નથી. આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે મક્કમ છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરી એકવાર સરકાર સામે પડતર પ્રશ્નોને લઈને સામૂહિક હડતાલનો ગઈકાલે સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ 25 હજાર આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. લડતની રણનીતિના ભાગરૂપે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધના પ્રમુખ દ્વારા લેખિતમાં પોતાની માંગ સાથે આવેદન આપીને સરકારને પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે, અમારી અચોક્કસ મુદ્દત ની હડતાલ યથાવત છે. ગાંધી ચીંધ્યા માંર્ગે આંદોલન કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો આંદોલન વધુ ઉગ્ર કરીશું. આરોગ્ય ક્ષેત્રે ગુજરાત દેશમાં આગળ પણ ગ્રેડ-પે સૌથી નીચે છે. 1900 થી 2800 અને અન્ય 2400 થી 4200 ગ્રેડ-પે કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે કમિટીની રચના કરી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અમારી માંગ વ્યાજબી અને ઉચિત છે. આ અંગે અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ ઠોસ નિર્ણય આવ્યો નથી, હવે અમે છેતરાઈશું નહીં. આગામી 20 માર્ચે 33 જિલ્લાના ચાર કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને પાઠવીશું. અને જ્યાં સુધી અમારી માંગોનો ઉકેલ ન આવે ત્યાં સુધી વર્ગ-3 આરોગ્ય કર્મચારીની હડતાલ યથાવત રહેશે. અગાઉ સરકાર સાથે પરમર્શ થઈ હતી. આમ છતાં આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી.
ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના વર્ગ ત્રણના MPHW, FHW, MPHS, FHS, તેમજ THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોને ટેકનીકલ કેડર સમાવેશ અને ગ્રેડ- પે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી બાબત તેમજ સ્ટાફ નર્સ (પંચાયત) કેડરના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્ન પગલે સરકારને 10 માર્ચ સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે.