
- દૂધ-ઘી, ખાદ્યતેલ અને માવામાં સોથી વધુ ભેળસેળ
- 28 પેઢીના નમુના પરીક્ષણમાં થયા ફેલ
- 22 કેસમાં રૂપિયા 47.50 લાખનો દંડ કરાયો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખાસ કરીને દૂધ-ઘી અને ખાદ્ય તેલ અને દૂધના માવામાં સૌથી વધુ ભેળસેળ કરવામાં આવતી હોવાથી ફુડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. 28 પેઢીના નમુના પરીક્ષણમાં ફેલ થતાં 22 કેસ કરીને 47.50 લાખનો દંડ કરાયો છે.
બનાસકાંઠામાં ફૂડ સેફ્ટી વિભાગે જાહેર જનતાના આરોગ્યના હિતમાં વિવિધ પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. આ નમૂનાઓમાં દૂધ, ઘી, ખાદ્ય તેલ અને માવાનો સમાવેશ થાય છે. સરકારી લેબોરેટરીમાં તપાસ દરમિયાન આ નમૂનાઓ નિર્ધારિત ધારાધોરણ મુજબ ન હોવાનું ફલિત થતાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક ઉત્પાદનોમાં યોગ્ય લેબલિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. જિલ્લાના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યાં હતા. કોર્ટે વિવિધ ગુના બદલ દંડ ફટકાર્યો છે. જેમાં વિમલ રિફાઇન્ડ કપાસિયા તેલની 4 પેઢીઓને રૂ.9.50 લાખ, ગમની ઓછી માત્રા માટે 2 પેઢીઓને રૂ.3.50 લાખ, અને ઘીમાં અનધિકૃત કેમિકલ્સની હાજરી માટે 3 પેઢીઓને રૂ.6.50 લાખનો દંડ કરાયો હતો. આ ઉપરાંત દૂધમાં ફેટ અને SNFની ઓછી માત્રા માટે 8 પેઢીઓને રૂ.8 લાખ, મગફળીના તેલના ધારાધોરણ ભંગ બદલ એક પેઢીને રૂ.3 લાખ, માવામાં સ્ટાર્ચની હાજરી માટે રૂ.3 લાખ, અને ઘીમાં વનસ્પતિ તેલ અને ફોરેન ફેટની હાજરી માટે 2 પેઢીઓને રૂ.8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. યોગ્ય લેબલિંગના અભાવ માટે 6 પેઢીઓને રૂ.3 લાખનો દંડ કરાયો હતો. (File photo)