
- સ્ટેચ્યુ ઓફ યુનિટીનો દોઢ કલાકનો રસ્તો માત્ર 45 મિનિટમાં કાપી શકાશે
- વડોદરા નજીક શાકભાજી, ફળફળાદી માટે મેગા ફુડ પાર્ક અને પ્રોસેસિંગ યુનિટ બનાવાશે,
- હરણી વિસ્તારમાં 50 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં કન્વેન્શન સેન્ટર બનાવાશે.
વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધતા જાય છે. ત્યારે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝડપથી પહોંચી શકાય તે માટે તે માટે હાઈસ્પીડ કોરીડોર બનાવાશે, આ ઉપરાંત વડોદરા શહેરના વિકાસ માટે 80 કરોડના ખર્ચે 1.5 લાખ ફૂટ જગ્યામાં હાટ બજાર બનાવાશે. તદુપરાંત હરણી વિસ્તારમાં 3.50 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં કન્વેન્શન સેન્ટર બનાવાશે.
વડોદરા નજીક આવેલા ટુરિસ્ટ પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા વચ્ચે હાઈ સ્પીડ કોરિડોર બનશે. જેનાથી દોઢ કલાકનો રસ્તો માત્ર 45 મિનિટમાં કાપી શકાશે. વિધાનસભાના મુખ્ય દંડકે વડોદરા શહેર નજીક શાકભાજી અને ફળફળાદી માટે મેગા ફૂડ પાર્ક અને તેનું પ્રોસેસિંગ યુનિટ બનાવવાની જાહેરાત કરી હતી.
વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી માટે રૂ. 30,325 કરોડની ફાળવણી કરાઈ છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાં રૂ. 1 કરોડનો વધારો કરાય છે. નરેન્દ્ર મોદીના વિઝન મુજબ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં અર્બન હાટ સેન્ટર બનવા જઈ રહ્યો છે. રૂ. 80 કરોડના ખર્ચે 1.5 લાખ ફૂટ જગ્યામાં ગુજરાતનું સૌથી સારૂ હાટ બજાર બનશે. તદુપરાંત હરણી વિસ્તારમાં 3.50 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં કન્વેન્શન સેન્ટર બનશે.
આ ઉપરાંત આજવા રોડ ખાતે કાર્ડિયાર્ક હોસ્પિટલ, પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું પણ આયોજન છે. પાદરા, સાવલી અને આણંદમાં મોટા પ્રમાણમાં શાકભાજી અને ફળફળાદીનું ઉત્પાદન થાય છે. જેથી વડોદરામાં મેગા ફૂડ પાર્ક અને પ્રોસેસિંગ યુનિટ બનાવાશે. વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે બજેટમાં વિષય બજેટમાં લેવાયો છે અને મેટ્રો સિટી મુજબનું એરપોર્ટ બનાવવાનું આયોજન છે.