 
                                    અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાનવડોદરાના વાઘોડિયા તાલુકામાં માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂરઝડપે પસાર થતા ડમ્પરે સ્કુટરને અડફેટે લેતા તેની ઉપર સવાર દીકરીનું માતાની નજર સામે જ મોત થયું હતું. અકસ્માતમાં માતાને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાનો સીસીટીવી કેમેરા સામે આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માળોધર રોડ ઉપરથી માતા-દીકરી સ્કુટર ઉપર પસાર થઈ રહ્યાં હતા. ત્યારે પૂરઝડપે આવેલા ડમ્પરે સ્કુટરને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જયારે ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતા વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી હતી. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી. મૃતક પિતાના બાળકી દુબઈમાં રહેતા હોવાથી તેમને જાણ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘવાયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આરંભી છે. તેમજ પૂરઝડપે ડમ્પર હંકાવનાર ચાલકને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ આવી ઘટનાઓ અટકવવા માટે માંગણી કરી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

