
- ભારે પવનને લીધે હાઈવે પર હોર્ડિંગ્સ તૂટી પડતા યુવાનને ગંભીર ઈજા
- છોટાઉદેપુરના બોરધા ગામે દીવાલ તૂટી પડતા મહિલાનું મોત
- અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા ફુંકાયું છે. તે કેટલાક વિસ્તારમાં તેજ ગતિથી પવન ફુંકાયો છે. ત્યારે મહેસાણા-ઊંઝા હાઇવે પર રામોસણા બ્રિજ પાસે ભારે પવનને કારણે એક મોટું જાહેરાત હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલા ધીરજ પ્રજાપતિ નામના યુવક પર હોર્ડિંગ પડતાં ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે બીજા બનાવમાં છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં રાત્રે આવેલા ભારે વાવાઝોડાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું હતું. બોરધા ગામના ભક્તિ ફળિયામાં વહેલી સવારે લગભગ 4 વાગ્યે એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત નિપજ્યું હતુ.
પ્રથમ બનાવની વિગતો એવી છે કે, મહેસાણા-ઊંઝા હાઇવે પર રામોસણા બ્રિજ પાસે ભારે પવનને કારણે એક મોટું જાહેરાત હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલા ધીરજ પ્રજાપતિ નામના યુવક પર હોર્ડિંગ પડતાં ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ હોર્ડિંગ નીચે દટાયેલા ધીરજને બહાર કાઢ્યો હતો. તેમને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ દુર્ઘટના ન સર્જાય તે માટે મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે રસ્તા પર પડેલા હોર્ડિંગને કટરથી કાપીને દૂર કર્યું હતું.
બીજા બનાવ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં રાત્રે આવેલા ભારે વાવાઝોડાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું હતું. બોરધા ગામના ભક્તિ ફળિયામાં વહેલી સવારે લગભગ 4 વાગ્યે એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં મોજલીબેન વેતિયાભાઈ નાયકા નામની મહિલા દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ નોંધાયો હતો. તીવ્ર પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડાએ જિલ્લામાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.