- મકાન ખરીદનારાએને દસ્તાવેજની કિંમત 30થી 40 ટકા વધી જવાની શક્યતા
- હાલ સરકાર મકાનોના ક્ષેત્રફળ મુજબ જંત્રીના દરે સ્ટેમ્પ ડ્યુટી વસુલતી હતી
- રાજ્ય સરકારે જારી કરેલા પરિપત્ર સામે વિરોધ ઊઠ્યો
ગાંધીનગર તા. 24 ડિસેમ્બર 2025: House buyers will have to pay stamp duty on common plots ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટીની આવક વધારવા પ્રયાસ કરી રહી છે. સરકારે પહેલા કાર્પેટ એરિયા, બિલ્ટઅપ એરિયા પછી હવે સુપર બિલ્ટઅપ એરિયા એટલે કે રોડ-રસ્તા, કોમન પ્લોટની જમીનો પર પણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ નિર્ણયના કારણે એક મિલકતદારને દસ્તાવેજની કિંમતમાં 30 થી 40 ટકા વધારો થવાની શક્યતા છે. સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક બિલ્ડરોએ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં જેટલી પણ મિલકતોનું વેચાણ થાય તેના ક્ષેત્રફળના આધારે જંત્રીના દરો નક્કી કરીને સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. સૌથી પહેલા કાર્પેટ એરિયા એટલે કે ફ્લેટ કે રૉ-હાઉસ બંગલાના માપ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. ત્યારબાદ બિલ્ટઅપ એરિયા એટલે કે મિલકતમાં થયેલુ બાંધકામ પર સ્ટેમ્પ ડયુટી વસૂલવામાં આવતી હતી. હવે રાજય સરકારે સુપર બિલ્ટઅપ એરિયા કે જે સોસાયટી, ફલેટમાં રહો છો તે ફલેટના રોડ-રસ્તા કે કોમન પ્લોટનો પણ ઉપયોગ કરતા હોવાથી આ એરિયાને પણ ગણીને સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો પરિપત્ર જાહેર કર્યો છે.
આ પરિપત્રનો ત્વરિત અમલ શરૂ કરી દેવાતા સુરત શહેરના વકીલોએ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, સુરત શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ પરિપત્રનો અમલ શરૂ થઇ ગયો છે. જેના કારણે સુપર બિલ્ટઅપ એરિયાનું પણ ક્ષેત્રફળ ગણીને સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની શરૂઆત કરતા દસ્તાવેજની કિંમતમાં આશરે 30 થી 40 ટકાનો વધારો થાય છે. જે મિલકત ખરીદનારે આર્થિક નુકસાન સહન કરવુ પડે છે. આથી આ પરિપત્રની અમલવારી રદ કે મોકૂફ રાખવા માંગ કરી હતી. આ રજૂઆતને લઈને યોગ્ય સૂચના આપવાની ખાતરી આપવામાં આવી હતી.


