
- સુરતના ઉધના વિસ્તારના ઓમ સાંઈ જલારામ નગરમાં બન્યો બનાવ,
- બનેવી તેની સાળી જોડે લગ્ન કરવા માગતો હતો, સાળીએ ના પાડતા ઉશ્કેરાયો,
- હત્યા બાદ નાસી ગયેલા આરોપીને સુરત રેલવે સ્ટેશનથી દબોચી લેવાયો
સુરતઃ શહેરના ઉધના વિસ્તારના ઓમ સાંઈ જલારામ નગરમાં બનેવીએ સાળા-સાળીની છરીના ઘા ઝીંકીને હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં પતિએ તેની પત્નીની હાજરીમાં સાળી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પણ સાળીએ લગ્ન કરવાની ઘસીને ના પાડતા તેનો બનેવી ઉશ્કેરાયો હતો.દરમિયાન તેનો સાળો વચ્ચે પડતા આરોપી બનેવીએ સાળી અને તેના સાળાની છરી મારીને હત્યા કરી હતી. આ બનાવમાં તેના સાસુને પણ ગંભીર ઈજા થઈ હતી. આ બનાવ બાદ આરોપી નાસી ગયો હતો. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસે સુરત રેલવે સ્ટેશન પરથી હત્યારા બનેવીને દબોચી લીધો હતો.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના ઉધના વિસ્તારના ઓમ સાંઈ જલારામ નગરમાં રહેતા પોતાના બેન-બનેવીને ત્યાં ઉત્તરપ્રદેશથી સાળા નિશ્ચય અશોકભાઈ કશ્યપ (ઉંમર વર્ષ 30) તેની બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યા હતા. દરમિયાન બનેવી સંદીપ ગોડ પોતાની સાળી મમતા સાથે લગ્ન કરવા માગતો હતો. સંદીપ ગોડ અગાઉથી જ ત્રણ બાળકોનો પિતા છે, તેમ છતાં તે મમતા સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે, મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દેતાં ઘરમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ કે સંદીપ ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને સાળી મમતા અને સાળા નિશ્ચય પર છરી વડે હુમલો કર્યો હતો. સાળી મમતાને પેટના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા હતા. સાળા નિશ્ચય કશ્યપને ગળા અને પીઠના ભાગે છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકાયા હતા. આ હુમલામાં મમતા અને નિશ્ચયની માતાને પણ ઇજા પહોંચી છે. સાસુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભાઈ-બહેનને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મરણ પામેલા જાહેર કર્યા હતા.
આ ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ પોલીસના અધિકારીઓ સહિત કાફલો દોડી આવ્યો હતો. જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી અને પીઆઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. હત્યાને અંજામ આપીને આરોપી સંદીપ ગોડ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઉધના પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસ તપાસમાં સૂત્રોએ જણાવ્યુ હતું કે, હત્યાનો ભોગ બનેલો પરિવાર ગઈ તા. 4 ઓક્ટોબરના રોજ પ્રયાગરાજથી સુરત તેના બનેવીને ત્યા આવ્યો હતો. મૃતક યુવક ઉત્તરપ્રદેશમાં FSL-ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી કરે છે. સાળાના લગ્ન હોવાના કારણે પરિવાર પ્રયાગરાજથી સુરત શોપિંગ માટે આવ્યો હતો. તપાસમાં ખૂલ્યું કે, આરોપી સંદીપને સાળી સાથે લગ્ન કરવા હતા, પરંતુ પરિવારના સભ્યોએ કહ્યું કે આ શક્ય નથી. લગ્નનો પ્રસ્તાવ નકારાતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને છરી વડે હુમલો કર્યો હતો.