
- વિજયચાર રસ્તા અને મીઠાખળીના PSK કેન્દ્રો પર 10 દિવસનું વેઈટિંગ,
- 29મીથી 2 સપ્ટેમ્બર સુધી પાસપોર્ટ સેવા પોર્ટલ બંધ રહેશે,
- 30મી ઓગસ્ટની એપોઈન્મેન્ટને રિ-શિડ્યુલ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર અરજદારોનો ધસારો વધતો જાય છે. જેમાં અમદાવાદના વિજયચાર રસ્તા અને મીઠાખળીના પાસપોર્ટ સેવા કેન્દ્રો પર 10 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. દરમિયાન અમદાવાદ નજીકના કેન્દ્રો પર પાસપોર્ટ માટેની અરજીઓની સંખ્યા વધશે તો પાસપોર્ટ સેવા વાન વડોદરા, મહેસાણા, આણંદ, નડિયાદ અને હિંમતનગર ખાતે પણ મુકવામાં આવશે. રાજ્યમાં હાલ શરૂ થયેલી પ્રથમ પાસપોર્ટ સેવાવાન ગાંધીનગર ખાતે મોકલવામાં આવી છે.
અમદાવાદની રિજિનલ પાસપોર્ટ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેર નજીકના PSK અને POPSK ખાતે એપાઇન્ટમેન્ટ માટેના દિવસોમાં વૃદ્ધિ થશે તે સમયે આ પાસપોર્ટ સેવા વાનમાં એપાઈન્ટમેન્ટ ટ્રાન્સફર કરીને અરજીઓનો સ્વીકાર કરાશે. પાસપોર્ટ સેવા વાન હાલના દિવસોમાં રિજનલ પાસપોર્ટ ઓફિસ સહિત ગાંધીનગર મુકાઈ છે. જ્યાં રોજની 50 એપોઈન્ટમેન્ટ અપાય છે. હાલ 10થી 12 દિવસ પછીની એપોઈન્ટમેન્ટ મળે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં સવારે જઈને સાંજે પાસપોર્ટ કચેરી પાછી આવી શકે તેવા કેન્દ્રો ખાતે અરજીઓના ભારણના સમયમાં પાસપોર્ટ સેવા વાન મોકલવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વિજય ચાર રસ્તા અને મીઠાખળી PSK ખાતે પાસપોર્ટ માટે 10થી વધુ દિવસનું વેઈટિંગ છે. દરમિયાન પાસપોર્ટ સેવા દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, કે પાસપોર્ટ સેવા પોર્ટલ ટેક્નિકલ મેન્ટેનન્સને પગલે 29 ઓગસ્ટ રાતે 8 વાગેથી 2 સપ્ટેમ્બર સવારે 6 વાગે સુધી બંધ રહેશે. જેને પગલે પાસપોર્ટ અને પીસીસીના અરજદારોએ 30 ઓગસ્ટે લીધેલી એપોઇન્ટમેન્ટને રિશિડ્યૂલ કરાશે અને અરજદારોને આ અંગે જાણ કરવામાં આવશે.