
રાજકોટઃ જામનગરના ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી છે. ભરવાડ સમાજની એક માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે.. જેમાં 32 વર્ષીય માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા તથા તેમના 10, 8, 4 અને 3 વર્ષીય બાળકોનો સમાવેશ થાય છે. આપઘાતની ઘટના બાદ પાંચેય મૃતકોના મૃતદેહ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જામનગર ગ્રામ્ય DYSP આર બી દેવધા અને ધ્રોલ પોલીસે આ સમગ્ર મામલામાં કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની 32 વર્ષની ભરવાડ મહિલાએ પોતાના ઘરકંકાસના કારણે આજે બપોરે પોતાના ઘર પાસે આવેલા એક કૂવામાં પોતાના 10 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના ચાર સંતાનો જેમાં આયુષ (ઉંમર 10) આજુ )ઉંમર વર્ષ 8) આનંદી (ઉંમર વર્ષ 4) તેમજ ત્વિક (ઉંમર વર્ષ 3) વગેરેને સાથે લઈ ને કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી.
આ બનાવ ની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોળ ની પોલીસ ટુકડી તાબડતોબ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવ ને લઈને ધ્રોલ પોલીસ દ્વારા ભરવાડ પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરે ના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. નાના એવા સુમરા ગામમાં આ બનાવને લઈને કરૂણતા સર્જાઈ છે. અને એક પણ ચૂલો સળગ્યો ન હતો.