1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ જિલ્લામાં રોડ-રસ્તાઓ પરના ધાર્મિક સહિતના દબાણો હટાવાશે
રાજકોટ જિલ્લામાં રોડ-રસ્તાઓ પરના ધાર્મિક સહિતના દબાણો હટાવાશે

રાજકોટ જિલ્લામાં રોડ-રસ્તાઓ પરના ધાર્મિક સહિતના દબાણો હટાવાશે

0
Social Share
  • રાજકોટ-સોમનાથ હાઇવે પર ચાર દબાણ દૂર કરાયા,
  • સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કલેકટરે કર્યો આદેશ,
  • 2016 જેટલા ધાર્મિક દબાણોને આઈડેન્ટિફાય કરાયા

રાજકોટઃ દેશના તમામ રાજ્યોમાં રોડ-રસ્તાઓ પરના દબાણોની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. જેમાં ધાર્મિક દબાણો પણ રોડ-રસ્તાઓ પર જોવા મળતા હોય છે. પણ લોકોની આસ્થાને ઠેસ પહોંચશે તેમ માનીને ધાર્મિક દબાણો હટાવવામાં આવતા નથી. પણ હવે સુપ્રીમ કોર્ટે જ રોડ-રસ્તાઓ પરના ધાર્મિક સહિતના દબાણો હટાવવાનો નિર્દેશ આપ્યા બાદ ગુજરાતમાં પણ હવે આવા દબાણો હટાવવામાં આવશે, દરમિયાન રાજકોટ જિલ્લામાં ધાર્મિક દબાણોનો રિપોર્ટ કરવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ તમામ સંબંધિત વિભાગોને આદેશ કર્યા હતા આ સંદર્ભે તાજેતરમાં મહત્ત્વની બેઠક બોલાવી હતી જેમાં રાજકોટ જિલ્લામાં મુખ્ય રસ્તા પર હોય તેવા દબાણો તોડીને દૂર કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં પંચાયત હસ્તકના, રેવન્યુ વિભાગની હદમાં, નેશનલ હાઇવે પર, નગરપાલિકા વિસ્તારમાં કુલ 2016 ધાર્મિક દબાણો આઇડેન્ટિફાય થયા છે. આ દબાણો સંદર્ભે પ્રાંત અધિકારીઓ, જિલ્લા પંચાયતના દબાણ હટાવ શાખાના અધિકારીઓ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરીના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર જે ધાર્મિક દબાણો અન્ય સ્થળે ખસેડી શકાતા હોય તે દબાણો ખસેડવા અને જે દબાણો રેગ્યુલરાઇઝડ થઇ શકતા હોય તેને નિયમિત કરી આપવા તાકીદ કરાઇ હતી. જ્યારે મુખ્ય માર્ગો પર ગેરકાયદે ખડકાયેલા ધાર્મિક દબાણો તોડી પાડવા આદેશ કરાયો છે. આ અંગે તમામ પ્રાંત અધિકારીને તેમના વિસ્તારમાં આવેલા દબાણકારોને નોટિસ આપવા આદેશ કરાયો છે.

સૂત્રોના કહેવા મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાજકોટ-સોમનાથ હાઇવે પર સિક્સલેનની કામગીરીમાં અડચણરૂપ ચાર દબાણ દૂર કરાયા છે. જેમાં બે પીઠડિયા ગામ પાસે, એક વીરપુર અને એક ભરૂડી ટોલનાકા પાસે દૂર કરવામાં આવ્યું છે. આવા વધુ 15થી 16 દબાણ નેશનલ હાઇવે પર હોવાની વિગતો પ્રકાશમાં આવતા તેને દૂર કરવા ટૂંક સમયમાં ઓપરેશન હાથ ધરાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code