
- હત્યા કર્યા બાદ બનેવી ફરાર થઈ ગયો,
- ભાણીને ન મારવા સાળાએ ઠપકો આપતા બનેવી ઉશ્કેરાયો,
- પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યાં
સુરતઃ શહેરમાં આજે ભાઈબીજના દિને ઘરકંકાસને કારણે બનેવીએ સાળાની હત્યા કરી છે. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં બનેવીએ સાળાની હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના અઠવાલાઇસન્સ વિસ્તારમાં સુરેશ રાઠોડની તેના બનેવી લાલાએ હત્યા કરી છે. હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. બનેવી લાલા અને સાળા સુરેશ વચ્ચે વિવાદ થયો હતો, ત્યારબાદ બનેવીએ સાળાની હત્યા કરી છે. આરોપી લાલાએ આવેશમાં આવી બોથડ પદાર્થ વડે સુરેશ રાઠોડના માથામાં ઘા કર્યો હતો. માથામાં ગંભીર ઈજાને કારણે સાળા સુરેશનું મોત થયું છે. સાળાની હત્યા કર્યા બાદ બનેવી ફરાર થઈ ગયો હતો. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે પરિવારના સભ્યોના નિવેદન લેવાનું પણ શરૂ કર્યું છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ બનેવી લાલો પોતાની દીકરી એટલે કે સુરેશ રાઠોડની ભાણીને સતત માર મારતો હતો. જ્યારે સાળાએ ભાણીને માર ન મારવાની ટકોર કરી હતી. આ વાતથી રોષે ભરાયેલા બનેવીએ ઊંઘી રહેલાં સાળા પર હુમલો કર્યો હતો. સાળાના મોત બાદ બનેવી નાશી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.