
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 62માં સત્તા મેળવી, જુનાગઢનો ગઢ પણ કબજે કર્યો
- સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો… કોંગ્રેસે સત્તા બચાવી
- મહેમદાવાદમાં ભાજપએ જીતની ખૂશીમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવતા વિવાદ
- ચોરવાડમાં કોંગ્રેસના ધારાસભ્યની અને જુનાગઢમાં ભાજપના ગિરીશ કોટેચાના પૂત્રનો પરાજ્ય,
અમદાવાદઃ ગુજરાતમાં 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 66 નગરપાલિકામાંથી 62 નગરપાલિકા ભાજપે કબજે કરી છે, જ્યારે જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભાજપે વિજયી મેળવ્યો છે. ભાજપે પ્રચંડ જીત સાથે હેટ્રિક ફટકારી છે. જૂનાગઢ મ્યુનિની 60 બેઠકોમાંથી ભાજપના ફાળે 48 જેટલી બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને 11 બેઠકો પર જીત મળી છે. ચૂંટણીમાં જીત બાદ વિજય સરઘસ દરમિયાન જૂનાગઢમાં બબાલ પણ થઈ છે. ચોરવાડ નપાની ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હારનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાતમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકા તથા જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી આજે સવારથી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બે મોટા અપસેટ સર્જાયા છે. જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો છે. જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની કારમી હાર થઈ છે. જ્યારે ચોરવાડ નગર પાલિકામાં 10 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે. ગુજરાતની 62 નગરપાલિકામાંથી 62માં ભાજપની ભવ્ય જીત થઈ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર એ છે કે, ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી નગરપાલિકા બનાવશે. કુતિયાણા નગરપાલિકામાં પહેલેથી જ રસાકસીભર્યો માહોલ હતો. આ વચ્ચે સમાજવાદી પાર્ટીએ ભાજપને હરાવ્યું છે. સમાજવાદી પાર્ટીએ કુતિયાણામાં મોટો ઉલટફેર કર્યો છે. કુતિયાણા નગરપાલિકામાં 16 બેઠક જીતીને સમાજવાદી પાર્ટીની સત્તા બની છે. મતગણતરીમાં મોટો ઉલટફેર થયો છે. કુલ 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને 16 બેઠક મળી છે.
દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી
આ ઉપરાંત ખેડાના મહેમદાવાદ પાલિકાના ચૂંટણી પરિણામ બાદ ભાજપના ઉમેદવાદની જીતની ઉજવણી વિવાદમાં આવી છે. અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા હતા. અને જીતની ઉજવણી કરી હતી મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવ હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા. જો કે પોસ્ટર ફરકાવનારની પોલીસે અટકાયત કરવામાં આવી છે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની 66 નગરપાલિકામાં ચૂંટણીમાં 61.65 ટકા મતદાન થયું હતુ. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું હતું.. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.
આ ચૂંટણીમાં માંગરોળમાં ભાજપ-કોંગ્રેસને 15-15 સીટ મળી, બસપાનો 4 પર વિજય થતાં હવે કિંગમેકરની ભૂમિકામાં આવી છે. જ્યારે આપ અને અન્યને 1-1 સીટ મળી છે. જ્યારે બાવળા નગરપાલિકામાં પણ BSP કિંગમેકરની ભૂમિકામાં છે. 28માંથી 14 બેઠક પર ભાજપ અને 13 બેઠક પર કોંગ્રેસ જ્યારે 1 સીટ પર BSPનો વિજય થયો છે.
જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનમાં વોર્ડ નંબર 9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર મહિપતસિંહ બસીયાએ પરાજય થતા જ કેસરિયો ધારણ કર્યો અને કહ્યું મેં જે ધાર્યું હતું અને મારે જે કરવું હતું તે કરી લીધું. તેમણે આડકતરી રીતે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર નિશાન તાક્યું છે, કારણ કે આ વોર્ડમાં પાર્થ કોટેચાનો પરાજય થયો છે.