
‘હજ સુવિધા એપ’ યાત્રાના અનુભવને વધારવા, ઇન્ફર્મેશન ટેકનોલોજીનો લાભ લેવા માટે શરૂ કરવામાં આવી હતી. યાત્રાળુઓ એપ્લિકેશનનો ઉપયોગ તાલીમ સામગ્રી, રહેઠાણ અને ફ્લાઇટની વિગતો, સામાનની માહિતી, ઇમરજન્સી હેલ્પલાઇન (એસઓએસ), ફરિયાદ નિવારણ, પ્રતિસાદ, ભાષા અનુવાદ અને યાત્રા સંબંધિત વિવિધ માહિતી મેળવવા માટે કરી શકે છે. આ એપ્લિકેશન સાઉદી અરેબિયામાં હજ કામગીરીના સંચાલન માટે તૈનાત સરકારી અધિકારીઓ માટે એક વહીવટી ઇન્ટરફેસ પણ પ્રદાન કરે છે. જે વાસ્તવિક સમયની દેખરેખ અને કટોકટીની પ્રતિક્રિયામાં મદદ કરે છે, અને વધુ સારા સંકલન અને જવાબદારીને સુનિશ્ચિત કરે છે. હજ-2024 દરમિયાન ભારતના કુલ 1,75,025 હજયાત્રીઓમાંથી 78,000થી વધુ હજયાત્રીઓએ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 8,500થી વધુ ફરિયાદો અને 2,100થી વધુ એસઓએસ કોલ્સ એપ્લિકેશન મારફતે હેન્ડલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એપ્લિકેશન દ્વારા બેગેજ આઇડેન્ટિફિકેશનની ક્યુઆર કોડ મિકેનિઝમ રજૂ કરવામાં આવી હોવાના પરિણામે હજ -2024 દરમિયાન ગુમ થયેલા બેગેજના કેસોમાં ભારે ઘટાડો થયો હતો.
વર્ષ 2024માં કુલ 4558 મહિલા યાત્રાળુઓએ મેહરમ (પુરુષ સાથી) વિના યાત્રા કરી હતી. જે હજ-2018માં મેહરમ વિનાની લેડીઝ કેટેગરીની શરૂઆત થયા પછી અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાં મહિલાઓએ કરેલી યાત્રા છે. ભારત સરકાર હજયાત્રીઓના કલ્યાણ અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છે તથા હજનાં સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયામાં કેટલીક કામચલાઉ હેલ્થકેર સુવિધાઓ સ્થાપિત કરે છે. જેથી વૃદ્ધો સહિત ભારતીય યાત્રાળુઓને સારી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત કરી શકાય. હજયાત્રીઓની સારવારના સંબંધમાં જરૂરી સહાય સાઉદી અરેબિયામાં ભારત સરકાર દ્વારા સંચાલિત ભારતીય હજ મિશન મારફતે અને તૃતીયક સંભાળ માટે સાઉદીના કાયદા અનુસાર પ્રદાન કરવામાં આવી હતી.
ઉચ્ચ જોખમ ધરાવતા જૂથ તરીકે ઓળખાતા વૃદ્ધ યાત્રાળુઓના આરોગ્ય અને સુખાકારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ડોકટરો અને પેરામેડિક્સની બનેલી તબીબી ટુકડીઓએ યાત્રાળુઓને સમાવતી ઇમારતોની દૈનિક મુલાકાત લીધી હતી. નિયમિત આરોગ્ય નિરીક્ષણ, પરામર્શ અને કોઈ પણ ઉભરતી તબીબી ચિંતાઓને તાત્કાલિક પ્રતિસાદ આપવાનું સુનિશ્ચિત કર્યું હતું. તમામ યાત્રાળુઓ, ખાસ કરીને વૃદ્ધોની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, મક્કામાં ચાર અને મદીનામાં એક તબીબી કેન્દ્ર, 17 દવાખાનાઓ 24/7 કાર્યરત હતા. તમામ ભારતીય યાત્રાળુઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન, દવાઓ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જે હંમેશા હેલ્થકેરની સુલભતા સુનિશ્ચિત કરતી હતી.
કટોકટી દરમિયાન ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે મક્કા, મદીના અને અન્ય મુખ્ય સ્થળોએ વ્યૂહાત્મક રીતે 24 એમ્બ્યુલન્સનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો માટે જેઓ આત્યંતિક હવામાન માટે વધુ સંવેદનશીલ છે. એમ્બ્યુલન્સ સેવાઓની સુવિધા માટે અને તબીબી સેવાઓને લગતા પ્રશ્નો, સૂચનો અને ફરિયાદોના નિવારણ માટે સમર્પિત સંપર્ક નંબરોની સ્થાપના કરવામાં આવી હતી. વૃદ્ધ યાત્રાળુઓને તાત્કાલિક સહાય મળી રહે તે માટે તબીબી સ્ટાફ અને એમ્બ્યુલન્સને એવા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવના છે. ગંભીર રીતે બીમાર વૃદ્ધ તીર્થયાત્રીઓને અદ્યતન સારવારની જરૂર હોય તેમને સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સાઉદીની હોસ્પિટલોમાં ભારતીય અનુવાદકોને તૈનાત કરવામાં આવ્યા હતા. જેથી દર્દીઓને અસરકારક સંચાર, માર્ગદર્શન અને ટેકો મળી રહે. અતિશય ગરમીની અસરોને ઘટાડવા માટે હાઇડ્રેશન પ્રોગ્રામે એ સુનિશ્ચિત કર્યું કે વૃદ્ધ યાત્રાળુઓને ઓઆરએસ (ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન) અને નિયમિત હાઇડ્રેશન તપાસની સુવિધા મળી શકે. જાગૃતિ અભિયાનમાં યાત્રાળુઓ, ખાસ કરીને વૃદ્ધોને, ગરમીના ત્રાસનો સામનો કરવા માટેની સાવચેતીઓ વિશે શિક્ષિત કરવામાં આવે છે. જેમ કે હાઇડ્રેટેડ રહેવું, આકરા સૂર્યપ્રકાશનો સમય ટાળવો, ઢીલા કપડાં પહેરવા અને છત્રીઓનો ઉપયોગ કરવો. તદુપરાંત, હોસ્પિટલોમાં દાખલ વૃદ્ધ યાત્રાળુઓ માટે આવશ્યક ધાર્મિક વિધિઓમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.