1. Home
  2. ગુજરાતી
  3. યુએનમાં શહબાઝ શરીફે ફેલાવેલા જુઠ્ઠાણો ભારતે કર્યો પર્દાફાશ, આતંકવાદ મુદ્દે લીધુ આડેહાથ
યુએનમાં શહબાઝ શરીફે ફેલાવેલા જુઠ્ઠાણો ભારતે કર્યો પર્દાફાશ, આતંકવાદ મુદ્દે લીધુ આડેહાથ

યુએનમાં શહબાઝ શરીફે ફેલાવેલા જુઠ્ઠાણો ભારતે કર્યો પર્દાફાશ, આતંકવાદ મુદ્દે લીધુ આડેહાથ

0
Social Share

ન્યુયોર્કઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) 80મા સત્રમાં ફરી એકવાર ભારત વિરોધી રાગ આલાપ્યો છે. પોતાના ભાષણમાં તેમણે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો તેમજ ભારત પર એકતરફી હુમલાનો આરોપ મૂક્યો હતો. આ ઉપરાંત ઇન્ડસ વોટર ટ્રીટી સ્થગિત કરવાની ભારતની કાર્યવાહી ગેરકાનૂની ગણાવીને તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે પ્રશંસા કરી હતી અને તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામિત કરવાની માંગણી કરી હતી. જો કે, ભારતે શરીફને રોકડુ પરખાવીને આતંકવાદ મુદ્દે આકરા પ્રહાર કર્યાં હતા.

ભારત તરફથી યુએનમાં સ્થાયી મિશનની પ્રથમ સચિવ પેટલ ગહલોતે ‘રાઇટ ઓફ રિપ્લાય’નો ઉપયોગ કરીને પાકિસ્તાનને કડક શબ્દોમાં આડે હાથ લીધું હતું. તેમણે જણાવ્યું કે, “આજે સવારે આ મંચ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી એ હાસ્યાસ્પદ નાટક કર્યું છે અને આતંકવાદને પ્રોત્સાહન આપતી પોતાની વિદેશ નીતિને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ કોઈ પણ ડ્રામો અને કોઈ પણ ખોટી વાત સત્યને છુપાવી શકશે નહીં.”

ગહલોતે યાદ અપાવ્યું કે પાકિસ્તાનને આતંકવાદીઓને પનાહ આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને દશક સુધી અલ-કાયદાના સરગના ઓસામા બિન લાદેનને પોતાના દેશમાં છુપાવ્યો હતો, જ્યારે દુનિયા સામે આતંકવાદ સામે લડતનું નાટક કરતું રહ્યું. તાજેતરમાં પાકિસ્તાની મંત્રીઓએ પણ સ્વીકાર્યું કે તેમના દેશમાં દાયકાઓથી આતંકી કેમ્પો ચાલી રહ્યા છે. 25 એપ્રિલ 2025ના રોજ યુએન સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને ‘રેસ્ટિસ્ટન્સ ફ્રન્ટ’ નામના આતંકી સંગઠનને બચાવવાનો પ્રયાસ કર્યો, જે કાશ્મીરમાં પ્રવાસીઓની હત્યાઓ માટે જવાબદાર છે.

શહબાઝ શરીફે દાવો કર્યો હતો કે ‘ઓપરેશન સિન્દૂર’માં પાકિસ્તાને ભારતના 7 જેટ વિમાનો નષ્ટ કર્યા. તેના જવાબમાં ગહલોતે જણાવ્યું કે, “બહાવલપુર અને મુરીદકેના આતંકી ઠેકાણાઓના ફોટા જ સત્ય કહી જાય છે. આ તસવીરોમાં ભારતીય સેનાએ ઠાર કરેલા આતંકીઓના પુરાવા સ્પષ્ટ દેખાય છે. જ્યારે પાકિસ્તાની નાગરિક અને સૈનિક અધિકારીઓ ખુલ્લેઆમ આ આતંકીઓને વખાણે છે, ત્યારે તેમના શાસનની માનસિકતા પર કોઈ શંકા રહેતી નથી.” ગહલોતે ઉમેર્યું કે, “9 મે સુધી પાકિસ્તાન ભારત પર હુમલાની ધમકીઓ આપતું હતું, પરંતુ 10 મેના રોજ તેની સેના જ ભારત પાસે યુદ્ધવિરામની વિનંતી કરવા મજબૂર થઈ. આ સત્ય આખી દુનિયા જાણે છે.”

શરીફે દાવો કર્યો હતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થતા કરી. તેના જવાબમાં ગહલોતે સ્પષ્ટ કર્યું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દા દ્વિપક્ષીય વાતચીતથી જ ઉકેલાશે, તેમાં ત્રીજા પક્ષની કોઈ જગ્યાએ નથી. આ આપણો રાષ્ટ્રીય અભિગમ છે.” શહબાઝ શરીફે ભારત સાથે શાંતિની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં ગહલોતે કહ્યું કે, “જો પાકિસ્તાન ખરેખર શાંતિ ઇચ્છે છે, તો રસ્તો સ્પષ્ટ છે. તેને તરત જ તેના તમામ આતંકી કેમ્પો બંધ કરવા પડશે અને ભારતમાં વાંછિત આતંકીઓને સોપવા પડશે. જે દેશ પોતે જ નફરત, કટ્ટરતા અને અસહિષ્ણુતામાં ગરકાવ છે, તે આ મંચ પર આવીને ધર્મ અને વિશ્વાસની વાતો કરે છે. પાકિસ્તાને પોતાની અંદર જ ઝાંખવું જરૂરી છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code