
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના લશ્કરી અને નાગરિક વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. અત્યારથી 24મી ઑક્ટોબર સુધી પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેની એરસ્પેસ 24મી ઑક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે.
અહેવાલો અનુસાર, બંને દેશોએ અલગ-અલગ નોટિસ ટુ એર મિશન (NOTAM) જાહેર કરી છે, જેમાં એરસ્પેસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા 23 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા આદેશ મુજબ, કોઈપણ પાકિસ્તાની રજિસ્ટર્ડ વિમાન, જેમાં લશ્કરી વિમાન પણ શામેલ છે, અથવા પાકિસ્તાની એરલાઈન્સ દ્વારા ખરીદેલા કે ભાડે લીધેલા વિમાનને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે. NOTAM અનુસાર, ભારતીય હવાઈ ક્ષેત્ર 23મી ઓક્ટોબરના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી તમામ પાકિસ્તાની વિમાનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નાગરિકોની મોત થયા બાદ ભારતે પ્રથમ વખત પાકિસ્તાની વિમાનો માટે હવાઈ માર્ગ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 30 એપ્રિલથી અમલમાં આવ્યો હતો અને ત્યારથી આ સમયમર્યાદા અનેક વખત લંબાવવામાં આવી છે.