
ભારતના તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે મહત્વના MoU
નવી દિલ્હીઃ ભારતે તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને આર્મેનિયાના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાનની હાજરીમાં તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને મંત્રીઓ ડિજિટલ ટેક્નોલોજી અને દવાઓમાં સહયોગ કરવા સંમત થયા. બંને નેતાઓએ રાજકીય પરામર્શ, વેપાર, જોડાણ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધો સહિત વ્યાપક ભારત-આર્મેનિયા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી. બંને દેશોએ સુષ્મા સ્વરાજ ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ અને આર્મેનિયાના ફોરેન મિનિસ્ટ્રીની ડિપ્લોમેટિક સ્કૂલ વચ્ચે સહયોગ અંગેના સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કર્યા.
બેઠક દરમિયાન ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત આર્મેનિયા સાથેના તેના સંબંધોને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેમણે કહ્યું કે, બંને દેશો સારા રાજકીય સહયોગનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને બંને વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સહયોગ વધ્યો છે. બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. અરારત મિર્ઝોયને ભારત અને આર્મેનિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોની પ્રશંસા કરી હતી અને બંને દેશો વચ્ચે વધતી મિત્રતાની પ્રશંસા કરી હતી.