
ભારતીય વાયુસેના સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં તેજી, અમેરિકાની GE કંપની પાસેથી ખરીદશે એન્જિન
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ (IAF) સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં ઝડપ લાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાર સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને બાયબાય કહી હવે વાયુસેના તેજસ ફાઇટર જેટના એન્જિન ખરીદીમાં વિલંબ નહીં કરે. ભારતે ફાઇટર જેટ માટે ઓર્ડર આપ્યા બાદથી જ પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી ગઈ છે. પહેલાં માનવામાં આવતું હતું કે અમેરિકાથી એન્જિન આવવામાં ઘણો સમય લાગી શકે છે, પરંતુ હવે વાયુસેનાએ તેનો ઉપાય શોધી લીધો છે.
મિડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય વાયુસેના હવે અમેરિકાની ફાઇટર જેટ એન્જિન ઉત્પાદક કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) પાસેથી F-404 એન્જિન ખરીદશે. આ પગલાંથી માત્ર તેજસ MK-2 જ નહીં, પરંતુ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટ માટે પણ એન્જિન ખરીદીની પ્રક્રિયા ઝડપી બનશે. વાયુસેના અને GE કંપની મળીને આ ખરીદીની પ્રક્રિયા આગળ વધારશે.
વિદેશી સેવાઓ પર આધાર ઘટાડવા માટે IAF ભારતીય ખાનગી કંપનીઓની મદદથી મેઈન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ (MRO) સુવિધા ઉભી કરશે. અહીં જ F-404 એન્જિનોની જાળવણી તથા સમયાંતરે મરામત કરવામાં આવશે. ભારત ટૂંક સમયમાં નવા એન્જિનોનો ઓર્ડર આપશે. વર્ષ 2021માં 99 એન્જિનોનો ઓર્ડર આપ્યા બાદ વાયુસેનાએ વધુ 75 એન્જિનો ખરીદવાનો નિર્ણય લીધો છે.
સિંગલ એન્જિન ધરાવતા તેજસ 4.5 પેઢીનો ડેલ્ટા વિંગ મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે. તેની ડિઝાઇન DRDOની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA* દ્વારા તૈયાર કરવામાં આવી છે, જ્યારે તેનું ઉત્પાદન HAL કરી રહી છે. તે પહાડી વિસ્તારોમાં દુશ્મન પર ઝડપથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય વાયુસેનાએ પાંચમી પેઢીના AMCA ફાઇટર જેટ માટે AF-414 એન્જિન પસંદ કર્યું છે, જે જનરલ ઇલેક્ટ્રિકના હાલના એન્જિન કરતા ઘણું વધુ શક્તિશાળી માનવામાં આવે છે.