
ભારતીય રેલવેએ દિલ્હી-મુંબઈ રૂટના મથુરા-કોટા સેક્શન પર સ્વદેશી રેલવે સુરક્ષા પ્રણાલી કવચ 4.0 શરૂ કરી
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ દિલ્હી-મુંબઈ રૂટના મથુરા-કોટા સેક્શન પર સ્વદેશી રેલવે સુરક્ષા પ્રણાલી કવચ 4.0 શરૂ કરી છે. દેશમાં રેલવે સુરક્ષા પ્રણાલીઓના આધુનિકીકરણ તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “રેલવેએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનમાંથી પ્રેરણા લઈને કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસાવી અને તેનું ઉત્પાદન કર્યું છે. કવચ 4.0 એક ટેકનોલોજી-સઘન સિસ્ટમ છે. તેને જુલાઈ 2024માં રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ઘણા વિકસિત દેશોએ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ વિકસાવવા અને ઇન્સ્ટોલ કરવામાં 20-30 વર્ષનો સમય લીધો હતો. કોટા-મથુરા સેક્શન પર કવચ 4.0નું કમિશનિંગ ખૂબ જ ટૂંકા સમયમાં પ્રાપ્ત થયું છે. આ ખૂબ જ મોટી સિદ્ધિ છે.”
આઝાદી પછીના છેલ્લા 60 વર્ષોમાં દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અદ્યતન ટ્રેન સુરક્ષા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી ન હતી. ટ્રેન અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, કવચ સિસ્ટમ તાજેતરમાં કાર્યરત કરવામાં આવી છે. 6 વર્ષના ટૂંકા ગાળામાં દેશભરના વિવિધ રૂટ પર કવચ 4.0 શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે. 30,000 થી વધુ લોકોને કવચ સિસ્ટમ્સ પર તાલીમ આપવામાં આવી છે. IRISET (ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્જિનિયરિંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ) એ 17 AICTE માન્ય એન્જિનિયરિંગ કોલેજો, સંસ્થાઓ, યુનિવર્સિટીઓ સાથે તેમના BTech કોર્સ અભ્યાસક્રમના ભાગ રૂપે કવચનો સમાવેશ કરવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. કવચ અસરકારક બ્રેક લગાવીને લોકો પાઇલટ્સને ટ્રેનની ગતિ જાળવી રાખવામાં મદદ કરશે. ધુમ્મસ જેવી ઓછી દૃશ્યતાવાળી સ્થિતિમાં પણ, લોકો પાઇલટ્સને સિગ્નલ માટે કેબિનમાંથી બહાર જોવાની જરૂર રહેશે નહીં. પાઇલટ્સ કેબિનની અંદર સ્થાપિત ડેશબોર્ડ પર માહિતી જોઈ શકે છે.