
નવી દિલ્હીઃ આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલા સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મિશનના ભાગરૂપે પુરાતત્ત્વ વિભાગની મહિલા સભ્યો સહિતની પાંચ સદસ્યોની ટીમ દ્વારા સંશોધન કાર્યનો પ્રારંભ કરાયો છે.
- ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસકાર્યનો પ્રારંભ કર્યો
પુરાતત્ત્વ ખાતાની નવીનીકૃત અન્ડરવોટર આકયોલોજી વિંગ દ્વારા એ.ડી.જી. પ્રોફેસર આલોક ત્રિપાઠીની આગેવાનીમાં પાંચ સદસ્યોની ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકામાં કિનારાથી દૂર સમુદ્રની અંદર સંશોધન કાર્યને પુનઃજવિત કરવામાં આવ્યું છે અને દ્વારકાના દરિયામાં ગ્રાઉન્ડ બ્રેકિંગ અન્ડર વોટર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રોફેસર આલોક ત્રિપાઠી તથા તેમની ટીમના એચ.કે.નાયક, અપરાજિતા શર્મા, પૂનમ વિંદ, રાજકુમારી બાર્બીના સહિતની ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસકાર્યનો પ્રારંભ કર્યો છે.
- સંશોધનોને આધારે હાલના આ સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો
1980 ના દાયકામાં તત્કાલીન પુરાતત્ત્વ વિભાગના વડા દ્વારા સમુદ્રમાં ડૂબી ગયેલી પૌરાણિક દ્વારકાની શોધખોળ માટે અભિયાન હાથ ધરેલું હતું. જેમાં તેમને મહત્ત્વપૂર્ણ અવશેષો પ્રાપ્ત થયેલ હતા. હાલના આ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને અભ્યાસ માટેના સંશોધન કાર્યમાં અન્ડરવોટર આકયોલોજીકલ વિંગને ભારતીય નૌસેના તથા અન્ય સરકારી વિભાગોએ પણ સહયોગ કર્યો છે. આ પહેલા પણ વર્ષ 2005 થી 2007 સુધી દ્વારકાના દરીયા કિનારાના ભાગોમાં કરેલ ખોદકામમાં વિભાગને પૌરાણિક શિલ્પો અને પત્થરો તથા લંગરો મળી આવેલા. જે સંશોધનોને આધારે હાલના આ સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.