1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જગદીશ પંચાલ બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ
જગદીશ પંચાલ બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ

જગદીશ પંચાલ બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ

0
Social Share

અમદાવાદ: ગુજરાત ભાજપને આજે નવા સુકાની મળ્યા છે. રાજ્યના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ને ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આજે શનિવારે સવારે કમલમ્ ખાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જગદીશ પંચાલ પોતાના સમર્થકોની રેલી સાથે ઢોલ-નગારા વચ્ચે કમલમ્ પહોંચ્યા હતા, જ્યાં કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી તેઓએ પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો.

નવા પ્રદેશ પ્રમુખ તરીખે જગદીશ પંચાલની વરણી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલએ પણ જગદીશ પંચાલને શુભેચ્છા પાઠવી હતી.

 

પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, નિવર્તમાન પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ પંચાલની વરણી એકમતથી કરવામાં આવી હતી. શુક્રવારે બપોરે કમલમ્ ખાતે વિજય મુહૂર્તમાં તેમણે ફોર્મ ભર્યું હતું અને અન્ય કોઈ ઉમેદવાર ન આવતા તેમનું નામ સર્વાનુમતે સ્વીકૃત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલએ 20 જુલાઈ 2020 થી 3 ઑક્ટોબર 2025 સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી હતી. હવે જગદીશ પંચાલે તેમની જગ્યાએ પદભાર સંભાળ્યો છે. ભાજપ હાઈકમાન્ડે આ વખતે ઓબીસી સમાજના નેતા જગદીશ પંચાલને રાજ્યના સંગઠનનું નેતૃત્વ સોંપ્યું છે. તેમને સંગઠન તથા પ્રશાસનમાં વિશાળ અનુભવ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમની કામગીરી નોંધપાત્ર રહી છે.

મહત્વની બાબત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. હાલ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદની પૃષ્ઠભૂમિમાં તેમની નિમણૂકથી સંગઠનમાં નવી ઉર્જા અને એકતા સર્જાશે, તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code