
જમ્મુ-કાશ્મીરઃ ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત
નવી દિલ્હીઃ કાશ્મીર અને જમ્મુના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે શ્રી અમરનાથજી યાત્રાને અસ્થાયી રૂપે રોકવામાં આવી છે. બાલતાલ અને પહેલગામ જેવા મુખ્ય માર્ગો પર ભારે વરસાદને કારણે અધિકારીઓએ આજે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
ભગવતી નગર જમ્મુ બેઝ કેમ્પના એક અધિકારીએ માહિતી આપી છે કે, યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આજે જમ્મુ બેઝ કેમ્પથી કાશ્મીર તરફ કોઈ પણ નવા યાત્રાળુ કાફલાને જવાની મંજૂરી આપવામાં આવી નથી. દરમિયાન, ગઈકાલે સાંજ સુધીના છેલ્લા 14 દિવસમાં, લગભગ 2.5 લાખ યાત્રાળુઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી.
અમરનાથ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. તેમજ શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી રહ્યાં છે. તેમજ આધુનિક ટેકનોલોજીની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે.