
જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ સોમવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીને મૌન પાળ્યું હતું. ગૃહનું ખાસ સત્ર શરૂ થતાં જ, વિધાનસભાના અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથેરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના વિવિધ ભાગોના નિર્દોષ પ્રવાસીઓની હત્યાની નિંદા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “અમે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.” વિધાનસભા અધ્યક્ષે જાહેરાત કરી કે ગૃહ આ ક્રૂર હુમલામાં માર્યા ગયેલા લોકોના માનમાં મૌન પાળશે.
નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ સરકાર વતી એક ઠરાવ રજૂ કર્યો, જેમાં પ્રવાસીઓ પર થયેલા બર્બર અને અમાનવીય હુમલા પર ઊંડો શોક અને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું. 22 એપ્રિલના રોજ, અનંતનાગ જિલ્લાના પહેલગામના ઉપરના ભાગમાં ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ‘ તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બૈસરન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના અન્ય રાજ્યોના પ્રવાસીઓ હતા.