
જાપાનઃ ટોક્યોમાં ઇન્ડિયા ટ્રેન્ડ ફેર 2025નું ઉદ્ઘાટન
નવી દિલ્હીઃ જાપાનની સત્તાવાર મુલાકાતના બીજા દિવસે, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે મુખ્ય જાપાની કંપનીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોની શ્રેણી યોજી અને 15 જુલાઈ 2025ના રોજ ટોક્યોમાં 16મા ઇન્ડિયા ટ્રેન્ડ ફેર 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેળો ભારતીય કાપડ નિકાસકારો માટે જાપાની ખરીદદારો સાથે સીધા જોડાવા માટે સૌથી મોટા પ્લેટફોર્મ પૈકીનો એક છે અને તેનાથી દ્વિપક્ષીય કાપડ વેપાર વધુ ગાઢ થવાની અપેક્ષા છે. મંત્રીએ ઝિપર્સ અને ફાસ્ટનિંગ ઉત્પાદનોના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક YKK કોર્પોરેશનના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. હરિયાણામાં પહેલેથી જ કાર્યરત YKK એ અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. મંત્રીએ તેમને PM MITRA પાર્ક્સમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
વર્કવેર અને ફંક્શનલ એપેરલ ક્ષેત્રે અગ્રણી કંપની વર્કમેન કંપનીના પ્રમુખ સાથેની એક મહત્વપૂર્ણ બેઠકમાં, મંત્રીએ ભારતના વધતા ઉત્પાદન ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડ્યો હતો. વર્કમેને PM MITRA ફ્રેમવર્ક હેઠળ ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપવામાં મજબૂત રસ દર્શાવ્યો હતો. મંત્રીએ ડિજિટલ અને ઔદ્યોગિક પ્રિન્ટિંગમાં વૈશ્વિક ખેલાડી કોનિકા મિનોલ્ટા સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે તેમને ભારતમાં કામગીરી વિસ્તૃત કરવા અને ESG અને ટકાઉપણું લક્ષ્યોમાં યોગદાન આપવા આમંત્રણ આપ્યું હતું. કંપનીએ ભારતમાં તેના વ્યવસાયને વધારવાની તકનું સ્વાગત કર્યું હતું. વધુમાં, ગિરિરાજ સિંહે ફાઇબર, ઔદ્યોગિક સામગ્રી અને વિશેષ કાપડમાં 20 અબજ ડોલરના જૂથ, અસાહી કાસી કોર્પોરેશનના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. કંપનીએ ‘મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ પહેલ હેઠળ રોકાણ કરવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો.