
- હોસ્પિટલમાં ઉંદરો દર્દીઓને કરડતા હતા,
- ઉંદરો પર અત્યાચાર કરાશે તો કાર્યવાહીની ચીમકી,
- હોસ્પિટલનો જવાબ, મુષકોને નુકસાન ન થાય તે રીતે પકડીને સલામત સ્થોળોએ છોડવામાં આવે છે
રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધી જતા ઉંદરો પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. ઉંદરો દર્દીઓને કરડતા હતા તેમજ મેડિકલ ઉપકરણોને પણ નુકશાન પહોંચાડતા હતા. પાંજરા મુકાતા ઉંદરો પાંજરે પુરાવા લાગ્યા હતા. અને પકડાયેલા ઉંદરોને સીમ વિસ્તારમાં છોડી મુકવામાં આવતા હતા. દરમિયાન એનિમલ વેલ્ફેર બોર્ડના જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે સિવિલ હોસ્પિટલને નોટીસ ફટકારી છે. અને ઉંદરો પર અત્યાચાર કરાતો હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ આ સિવિલ હોસ્પિટલ સુવિધાને બદલે અસુવિધાને લીધે વધુ વિવાદમાં રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી વિડિયો વાયરલ થયો હતો જેમાં ઉંદરનો ત્રાસ જોવા મળ્યા હતા. આથી હોસ્પિટલ દ્વારા પાંજરા મુકાતા 20થી વધુ ઉંદરો પકડાયા હતા. આ ઉંદરોને શહેર બહાર સીમ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવા મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. જીવદયા પ્રમીએ સિવિલ હોસ્પિટલના સત્તાધિશોને ફટકારેલી નોટિસમાં જણાવ્યું તે કે, આઇપીસી કલમ 428, 429 મુજબ કાર્યવાહી કેમ ન કરવી, આ નોટીસથી વિવાદ સર્જાયો છે. એનિમલ વેલ્ફેર બોર્ડના લેટરપેડ પર સિવિલ હોસ્પિટલને નોટીસ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. રાજ્યમાં બનેલા ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડમાં હોદ્દાની રુહે જિલ્લા કલેક્ટર તેના અધ્યક્ષ છે. એનિમલ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર પણ આ નોટીસથી અજાણ છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર વિવાદ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.