
- સુરતના સચિન વિસ્તારમાં 4 લૂંટારૂ શખસો જવેલર્સના શો રૂમમાં ઘૂંસ્યા હતા
- જ્વેલર્સએ લૂંટારૂ શખસોનો પ્રતિકાર કરતા બે રાઉન્ડ ફાયરિંગ કરાયું
- એક લૂંટારો ઝડપાઈ જતાં લોકોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો
સુરતઃ શહેરના પોશ ગણાતા સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ગઈકાલે સમીસાંજ બાદ ચાર લૂંટારૂ શખસોએ પ્રવેશીને લૂંટનો પ્રસાસ કરતા લૂંટારૂ શખસોનો જવેલર્સ આશિષ રાજપરાએ પ્રતિકાર કરતાં લૂંટારૂ શખસોએ તેના પર રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. લૂંટની ઘટનાને અંજામ આપી ઘટનાસ્થળેથી ચારેય લૂંટારા ત્યાંથી ભાગ્યા હતા, જોકે બુમાબુમ થતાં આજૂબાજુના લોકો દોડી આવ્યા હતા અને એક લૂંટારૂ શખસને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને નાસી છૂટેલા ત્રણ લૂંટારાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આશિષ રાજપરાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં રાત્રિના નવ વાગ્યા આસપાસ ચાર શખસો લૂંટ કરવાને ઇરાદે ત્રાટક્યા હતા. લુંટારઓએ તમંચા જેવા ઘાતક હથિયાર બતાવી દુકાનના માલિક આશિષ રાજપરાને બાનમાં લઈ તમંચાની અણીએ સોના અને ચાંદીના દાગીના એક પોટલામાં ભરાવ્યા હતા. આ દરમિયાન દુકાન માલિક આશિષ મહેશ રાજપરા(ઉ.વ. 40, રહે. રંગઅવધૂત સોસાયટી, સચિન) ને બાનમાં લીધા હતા. દરમિયાન બુમાબુમ થતા લૂંટારુએ જવેલર્સ માલિકને ગોળી મારી સોના- ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. બે રાઉન્ડ ફાયરિંગના અવાજથી લોકોનું ટોળું એકઠું થઈ જતાં લૂંટારુઓ કિંમતી વસ્તુવાળો થેલો મૂકીને ભાગી ગયા હતા. જો કે એક લૂંટારુને લોકોએ પકડીને ઢોર માર મારતાં તેની હાલત ગંભીર હોવાનું જણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી આવ્યો હતો.
લૂંટારૂ શખસોએ કરેલા ફાયરિંગને લીધે ગોળીઓ આશિષભાઈને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કહેવા મુજબ આશિષભાઈ જ્વેલરી શોપના ઓનપેપર ઓનર છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. લૂંટનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દીવાલ કૂદીને ભાગતો નજરે પડે છે, અને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. લોકોની સતર્કતા અને હિંમતને કારણે ચાર આરોપીઓમાંથી એકને ઘટનાસ્થળેથી જ લોકોએ પકડી પાડ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ આ આરોપીને માર માર્યો હતો, જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. સુરત સચિન પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.