- આરોપીઓ સસ્તા ભાવે સોનું અને લોન આપવાની લાલચ આપીને લોકોને ઠગતા હતા,
- સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ રૂ.92 કરોડ પડાવી લીધા હતા,
- ટોળકીના મુખ્ય સૂત્રધારને પકડવા પોલીસની દોડધામ
વડોદરાઃ શહેરમાં ફાયનાન્સ ફર્મ ખોલીને લોકોને સસ્તુ સોનું અને લોન આપવાના બહાને ઠગતી ટોળકી સામે રૂપિયા 4.92 કરોડના ફ્રોડની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે, આ બનાવમાં કર્ણાટકના વેપારી સહિત 13 જણા પાસેથી સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ રૂ.4.92 કરોડ પડાવી લીધા હતા. ટોળકીના 19 સભ્યો સામે જે.પી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર ઈલ્યાસ અજમેરી હજી પોલીસ પકડથી ભાગી રહ્યો છે. દરમિયાન પોલીસે શહેરના તાંદલજામાં રહેતા ઈલ્યાસ અજમેરીના ભાઈના ઘરે તપાસ કરતા ત્યાંથી 3 કિલો નકલી સોનાના બિસ્કિટ તથા રૂ.1.62 કરોડની નકલી ચલણી નોટો મળી આવી હતી. જે.પી રોડ પોલીસ, પીસીબી તથા એસઓજીની ટીમ તાંજલજા ચાંદપાર્ક હાઇટ્સમાં રહેતા ઈલ્યાસ અમજેરીના ભાઈ ઈદ્રિસ અજમેરીના ઘરે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, કર્ણાટકના વેપારીને તેના મિત્ર દ્વારા વડોદરાના ફાયનાન્સર સાથે સંપર્ક થતો હતો. અને તેને સસ્તામાં સોનું અને લોન આપવાની લાલચ આપી હતી. અને પ્રથમ 10 લાખનું સસ્તાભાવે સોનું આપીને વિશ્વાસ કેળવીને વેપારીને શીશામાં ઉતાર્યો હતો. અને બીજા 31 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓ ગલ્લા-તલ્લા કરવા લાગતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતા ઠગ ટોળકીની ચુંગાળમાં વધુ 13 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યુ હતું. જેમાં રૂપિયા 4.92 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. હાલ મુખ્ય સૂત્રધાર ફરાર છે. પોલીસે મુખ્ય આરોપી ઈલ્યાસ અમજેરીના ભાઈ ઈદ્રિસ અજમેરીના ઘરે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસને ઈદ્રિસના ઘરેથી 50 નંગ નકલી સોનાના બિસ્કિટ લગભગ 3 કિલોના મળી આવ્યા હતા. સાથે જ પોલીસને રૂ.1.62 કરોડની ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નકલી ચલણી નોટો મળી હતી. આ નકલી સોનું તથા નોટો ઠગાઈ કરવામાં ઉપયોગ કરાતી હોવાની પોલીસને શંકા છે.
પોલીસ દ્વારા ઈદ્રિસની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ઈદ્રિસે કહ્યું હતું કે, આ વસ્તુ ઈલ્યાસ અહીં મુકી ગયો હતો. જોકે હજી સુધી પોલીસને મુખ્ય સુત્રધાર ઈલ્યાસ અજમેરી મળી આવ્યો નહોતો.પોલીસ દ્વારા ઈદ્રિસના ઘરે સઘન તપાસ કરવામાં આવી હતી. જ્યાં પોલીસ ફોરેન્સિક વેન તથા નોટો ગણવાના મશીન સાથે પહોંચી હતી. પોલીસ દ્વારા નકલી સોનુ તથા ચલણી નોટોની ગણતરી કર્યા બાદ તેને કબ્જે કરવામાં આવી હતી. ઈલ્યાસ અજમેરી પકડાયા બાદ વધુ વિગતો સામે આવશે તેમ પોલીસે કહ્યું હતું.


