કાશ્મીરઃ કુલગામમાં બે આતંકી ઠેકાણોનો સેનાએ કર્યો નાશ
નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન દરમિયાન બે જૂના આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો છે. આ ઓપરેશન દમહાલ હાંજીપોરાના જંગલ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં આતંકીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશન સેનાની 9 રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ દ્વારા હાથ ધરાયું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ, અહમદાબાદ અને નેગ્રીપોરા વચ્ચેના ગીચ જંગલોમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં બે જૂના આતંકી ઠેકાણાઓ મળી આવ્યા હતા. ત્યારબાદ બંને ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ ઠેકાણાઓમાંથી ગેસ સિલિન્ડર, કપડાં અને અન્ય જરૂરી સામાન જેવી કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઠેકાણાઓ લાંબા સમયથી ઉપયોગમાં નહોતાં, પરંતુ તાજેતરના મહિનાઓમાં ફરી સક્રિય કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો એવી શક્યતા સુરક્ષા એજન્સીઓએ વ્યક્ત કરી છે. હાલમાં જપ્ત થયેલા સામાનની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ખબર પડી શકે કે આ ઠેકાણાઓનો ઉપયોગ કયા આતંકી સંગઠન દ્વારા કરવામાં આવતો હતો અને શું તાજેતરમાં કોઈ આતંકી અહીં રોકાયો હતો કે નહીં.
પોલીસના જણાવ્યા અનુસાર, ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે, જેથી કોઈ સંભાવિત જોખમ કે છુપાયેલા આતંકીઓને પકડવામાં આવી શકે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આસપાસના ગામોમાં પણ તપાસ વધારી દેવામાં આવી છે.


