અમદાવાદ, 15 જાન્યુઆરી 2026: ગુજરાતમાં ઉત્તરાણના દિને પતંગ-દોરીને લીધે બનેલા અકસ્માતોના બનાવમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં સુરતમાં એક પરિવારના ત્રણ સભ્યો 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી 70 ફૂટ નીચે પડી ગયા હતાં. આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ ઉપરાત બાયડ-ખંભાત અને જંબુસરમાં 3નાં ગળા કપાતા મોત નીપજ્યાં છે. જ્યારે વડોદરામાં પતંગ પકડવાની લહાયમાં એક 10 વર્ષના બાળક અને એક યુવક મળી બે લોકોના મોત થયા છે. રાજકોટમાં બે કારના અકસ્માતમાં બે માસુમ બાળકનું જીવ ગયો છે.
પ્રથમ બનાવની વિગત એવી છે કે, સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ (જે જીલાની બ્રિજ તરીકે જાણીતો છે) પર ગઈકાલે સાંજના 5થી 6 વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો. મકરસંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો. ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે, અચાનક પતંગની દોરીએ રેહાનના શરીરને અડકી ગઈ હતી, જેથી રેહાને એક હાથે દોરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ચાલુ બાઈકે દોરી હટાવતી વખતે વાહનનું સંતુલન બગડી ગયું હતુ અને વાહન પૂલના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા, જે મોટરસાઇકલ પર સવાર હતા, તેઓ બ્રિજથી 70 ફૂટ નીચે ખાબક્યાં હતાં. નીચે પટકાવાથી રેહાન અને તેની પુત્રી આયેશાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી ઓટો-રિક્ષા પર પડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
બીજા બનાવમાં ખંભાતના બદલપુર સેવરાપુરાના 8 વર્ષીય ધવલ કિશનભાઈ પરમાર પોતાના પિતા સાથે બાઈક પર બદલપુરથી રાલેજ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં આવી જતાં તેમની મુખ્ય નસ કપાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ ધવલને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને કરમસદની કૃષ્ણ હોસ્પિટલ રિફર કરાયો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં વડોદરા શહેર અને જિલ્લામાં પતંગ પકડવાની લાહ્યમાં બે લોકોનાં મોતના બનાવ સામે આવ્યા છે. વાઘોડિયા રોડ પર કપાયેલા પતંગની દોરી પકડવા જતાં 33 વર્ષીય યુવકનું વીજશોક લાગતાં મોત નીપજ્યું હતું. તો કરજણ વિસ્તારમાં પતંગ પકડવા જતા 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બન્ને પરિવાર માટે ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો ગયો છે ચોથા બનાવમાં બાયડ તાલુકાના ચોઈલા ગામે મોપેડ પર પસાર થઈ રહેલા તીર્થ પટેલ નામના યુવકનું ગળામાં દોરી આવી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચોઈલા ગામનો તીર્થ પટેલ પોતાના મોપેડ પર જૂના બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની જીવલેણ ચાઈનીઝ દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી તીક્ષ્ણ હતી કે યુવકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું અને તે લોહીલુહાણ હાલતમાં મોપેડ પરથી નીચે પટકાયો હતો. પાંચમા બનાવમાં જંબુસર તાલુકાના પીલુદરા ગામે પતંગની દોરી વાગવાથી એક યુવકનું કરુણ મોત થયું છે. આ ઘટના ગઈકાલે બપોરે આશરે 1.30 વાગ્યાના સુમારે બની હતી. મૃતક યુવકની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે થઈ છે. 6ઠ્ઠા બનાવમાં રાજકોટ-મોરબી રોડ પર કાગડદી પાટિયા પાસે 14 જાન્યુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 અને 9 વર્ષના માસીયાઈ ભાઈ-બહેનના મોત નીપજ્યા છે.


