 
                                    સુરેન્દ્રનગરમાં હવે લાલીયાવાડી નહીં ચાલે, કચરો ફેંકનારા સામે દંડનીય પગલાં લેવા આદેશ
- સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશન બનતા જ શહેરને સ્વચ્છ બનવવા કર્યો આદેશ
- શહેરમાં ગંદકી કરનારાના ફોટા પાડીને દંડ વસુલ કરાશે
- નવનિયુક્ત મ્યુનિ. કમિશનરે અઝધિકારીઓને કરી તાકીદ
સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયા બાદ નવ નિયુકત કમિશનર હાજર થતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. પહેલા જ દિવસે મ્યુનિ. પાસે ખાસ કરીને સફાઇ માટેના કુલ કેટલા સાધનો છે તેનું નિરિક્ષણ કર્યું હતું. શહેરને સ્વચ્છ રાખવા માટે તમામ કર્મચારીઓને તાકીદ કરી હતી. સાથે સાથે શહેરમાં જાહેરમાં કોઇ પણ જગ્યાએ ગંદકી કરવામાં આવે તેના ફોટા પાડીને દંડ કરવા પણ સૂચના આપી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા લોકોની સુવિધાઓમાં વધારો થશે તેવી લોકોએ આશા છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ બનાવવા માટે નવ નિયુક્ત મ્યુનિ.કમિશનરે પ્રયાસો શરૂ કર્યા છે. શહેરના રોડ-રસ્તાઓ સ્વચ્છ અને સુઘડ બને તેમજ જાહેરમાં કચરે ફેંકનારા સામે કડક પગલાં લેવાના તેમણે નિર્દેશો આપ્યા છે. શહેરમાં ખાસ કરીને ટ્રાફિક, દબાણ, સફાઇ, રોડ રસ્તાની મુખ્ય સમસ્યા છે. ત્યારે મ્યુનિ.દ્વારા આવી સમસ્યાઓ દૂર કરવામાં આવશે તેવી લોકોને આશા છે. ખાસ કરીને નવા આવેલા અધિકારીઓ આ બાબતે કડક વલણ અપનાવશે તેવા વિશ્વાસ વચ્ચે મ્યુનિ. કમિશનર નવનાથ ગવહાણે મંગળવારે હાજર થયા હતા. હાજર થયાના પ્રથમ દિવસે તેમણે પાલિકા પાસે સફાઇ માટેના કેટલા અને કેવા સાધનો છે તેની તપાસ માટે તમામ સાધનોને રિવરફ્રન્ટ પાસે એકઠા કર્યા અને કમિશનર સાથે એડિશનલ કમિશનર એસ.કે. કટારા, અર્જુન ચાવડા સહિતના અધિકારીઓએ નિરિક્ષણ કર્યું હતું. બાદમાં તમામ સ્ટાફને સૂચના આપી હતી કે શહેરમાં કોઇ જગ્યાએ ગંદકી કે કચરો ન રહેવો જોઇએ. શહેરીજનોને ગંદકીની સમસ્યા ન રહે તે માટે ખાસ કામગીરી કરવા તાકીદ કરી હતી. સાથે સાથે એવી પણ સૂચના આપી હતી કે, શહેરમાં જાહેરમાં જો કોઇ ગંદકી કરે તો તેના ફોટા પાડી લેવાના અને ગંદકી કરનારને દંડ ફટકારવા પણ આદેશ કર્યો છે.
આ ઉપરાંત કોન્ટ્રાક્ટરને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે જે લોકો કામ કરી રહ્યા છે તે કામદારોના આરોગ્યની પણ ખાસ જાળવણી રાખવાની છે. તેમને પહેરવા માટે ગ્લોઝ, બુટ, માસ્ક સહિતના સલામતિ સાધનો ખાસ આપવાના રહેશે. એક પણ કામદાર સલામતિના સાધનો વગર સફાઇની કામગીરી ન કરે તે જોવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. નગરપપાલિકાના સમયમાં કેટલાક કર્મચારીઓ પોતાની મનમાની ચલાવતા હતા પરંતુ હવે મનપામાં તમામ કર્મચારીઓએ કામગીરી કરવી પડશે. આથી જ કમિશનરની પહેલી જ મુલાકાતમાં સફાઇ કામદારો અને અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

