1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર -સોમનાથ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત
ભાવનગર -સોમનાથ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત

ભાવનગર -સોમનાથ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત

0
Social Share

અમરેલી, 1 ફેબ્રુઆરી 2026:  ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ નજીક ફરી એકવાર વન્યપ્રાણીના અકસ્માતની ગંભીર ઘટના બની છે. હાઈવે પર નાગેશ્રી ટોલનાકા નજીક રોડ ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે ટક્કર મારતા સિંહણનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ નજીક નાગેશ્રી ટોલનાકા પાસે સિંહણ અચાનક રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન ઊના તરફથી આવેલા કોઈ અજાણ્યા વાહનચાલકે સિંહણ દેખાઈ હોવા છતાં ઝડપ ઘટાડ્યા વિના સીધી ટક્કર મારી દેતા સિંહણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને થોડી જ વારમાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ટોલનાકામાં પ્રવેશ કરી ઊના તરફ ફરાર થઈ ગયો હતો.

આ બનાવની જાણ થતાં જાફરાબાદ રેન્જનો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી. જાફરાબાદના આરએફઓ જીએલ વાઘેલાએ જણાવ્યું હતું કે,  આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ નાગેશ્રી ટોલનાકા નજીક ઘટનાસ્થળે પહોંચી હતી. સિંહણના મૃતદેહને ત્યાંથી તાત્કાલિક હટાવી બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અકસ્માત કરનાર વાહનને શોધવા માટે ટોલનાકા અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે. આરોપી વાહન ચાલકને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક માસ દરમિયાન આ વિસ્તારમાં બે સિંહ અને એક દીપડાં સહિત કુલ ત્રણ વન્યપ્રાણીઓના રોડ અકસ્માતમાં મોત થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સિંહોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. નેશનલ હાઇવે પરથી પસાર થતા વન્યપ્રાણીઓ માટે સ્પીડ લિમિટ, ચેતવણી બોર્ડ અને અસરકારક સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code