
લો બોલો, જયપુરમાં લાખોના દાગીનાની ચોરી કરનાર તસ્કરો સાથે સોની વેપારીએ કરી ઠગાઈ
જયપુરઃ રાજસ્થાનમાં લાખોની ચોરી કરનાર તસ્કરો સાથે જ્વેલર્સએ મોટો દાવ કરીને લાખોની કિંમતના ચોરીના દાગીનાને નકલી ગણાવીને નજીવી રકમ ચુકવીને ચૂનો લગાવ્યો હતો. રાજસ્થાનના જયપુરમાં 75 લાખ રૂપિયાની જ્વેલરીની ચોરી થઇ હતી, જોકે ચોરોને 75 લાખની આ જ્વેલરીને વેચવાથી માત્ર એક જ લાખ રૂપિયા મળ્યા હતા. કેમ કે ચોરીનો આ માલ ખરીદનારાએ ચોરોને પણ છેતર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયપુરના જ્વેલરી માર્કેટમાં વેપાર કરતા બૃજમોહન ગાંધી સાંજે ઘરે જઇ રહ્યા હતા, તે સમયે તેની પાસે કારમાં કપડાની થેલીમાં 75 લાખ રૂપિયાની જ્વેલરી હતી. તેઓ કારમાં થેલી મુકીને જ્યારે એક ચાની કીટલી પર ચા પી રહ્યા હતા ત્યારે બાઇક પર બે લુટારા આવ્યા હતા અને કારના કાચ તોડીને થેલી લઇને ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી કેટલાક ચોરોને પકડી લીધા હતા, આ ચોરીમાં સામેલ આરોપીઓમાં રાહુલ જાટ, સંતોષ ચૌહાણ, વિશાલ સહિત આખી ગેંગ સામેલ હતી. પોલીસ સમક્ષ આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે આ તમામ જ્વેલરી અજય કુમાર નટ નામના વ્યક્તિને વેચી દીધી હતી. અજય કુમારે તેમને કહ્યું હતું કે આ જ્વેલરી નકલી છે જ્યારે સોનાની ગુણવત્તા પણ સાવ નબળી છે. જોકે દાગીના તો અસલ જ હોવાની જાણકારી મળી રહી છે. બાદમાં પોલીસે અજય કુમારને મુંબઇથી ઝડપી પાડયો હતો.
આવી જ ચોંકાવનારી ઘટના ઉત્તરપ્રદેશના લખનૌમાં બની હતી. લખનઉમાં ગોલ્ડ લોન ફાઇનાન્સ કંપની મણપ્પુરમ ગોલ્ડ લોન ફાઇન્સ કંપનીના કેટલાક કર્મચારીઓએ લોકરમાં રખાયેલા ત્રણ ગ્રાહકોના 43 લાખ રૂપિયાનું અસલી સોનું કાઢી લીધુ હતું અને તેના સ્થાને નકલી સોનુ મુકી દીધુ હતું. જ્યારે ગ્રાહકોએ પોતાનું સોનું છોડાવ્યું ત્યારે આ ભાંડો ફુટયો હતો. પોલીસે કંપનીના પાંચ કર્મચારી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે.