પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો વધારે તંબ બન્યાં છે અને સરહદ ઉપર અવાર-નવાર સંઘર્ષની ઘટના બની રહી છે. દરમિયાન પાકિસ્તાને આતંકવાદ મુદ્દે અફઘાનિસ્તાન અને ભારત ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ અફઘાનિસ્તાન ઉપર આરોપ લગાવ્યો છે કે, તે ભારતના નિયંત્રણમાં છે અને પાકિસ્તામાં આતંક ફેલાવવાનું એક ઉપકરણ બની ગયું છે. આસિફએ ચેતવણી આપી છે કે, કાબુલએ ઈસ્લામાબાદ ઉપર હુમલો કર્યો તો પાકિસ્તાન 50 ગણી તાકાતથી જવાબ આપશે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન વારંવાર શાંતિ સમજુતી ઉપર પીછેહઠ કરે છે. મહત્વનું છે કે, ઈસ્તાંબુલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિવાર્તા નિષ્ફળ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત પોતાની પશ્ચિમી સીમા પર હારની ભરપાઈ કરવા માટે કાબુલનો ઉપયોગ કરી રહ્યું છે. ત્યાંની સરકારના કેટલાક લોકો ભારત ગયા છે અને તેમના મંદિરમાં જાય છે. પાકિસ્તાન સાથે ભારત ઓછી તીવ્રતાવાળા યુદ્ધમાં સામેલ થવા માંગે છે અને તેના માટે કાબુલનો ઉપયોગ કરી રહ્યું છે. આસિફે અફઘાનિસ્તાનની ધમકીઓ અને ઈસ્લામાબાદના સંભવિત હુમલાને લઈને જણાવ્યું હતું કે, જો અફઘાનિસ્તાનએ ઈસ્લામાબાદ તરફ નજર કરી તો આંખો નીકાળી દેવામાં આવશે. તે આતંકવાદીઓનો ઉપયોગ કરી શકે છે, તેમજ છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં આતંકવાદને લઈને કાબુલ જવાબદાર છે કાબિલ દિલ્હીનું હથિયાર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધો વધારે તંગ બન્યાં છે.


