સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની વફાદારીથી વેતનની સાથે પ્રતિષ્ઠા પણ મળશે: ઋષિકેશ પટેલ
ગાંધીનગર, 4 ફેબ્રુઆરી 2026: સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી રાખવાથી વેતનની સાથે સફળતા તેમજ પ્રતિષ્ઠા પણ મળશે. નોકરીએ માત્ર આર્થિક ઉપાર્જન નથી પણ પૂજા છે. ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવના જોખમે ૨૪×૭ કામ કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે જે હંમેશા પ્રસંશનીય છે તેમ, આજે ગાંધીનગર ખાતે નવનિયુક્ત ઉમેદવારોને ઊર્જા પરિવારમાં આવકારતાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તેમજ રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં આજે ટાઉનહોલ, ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ-GSECLમાં ડૉક્ટર, નર્સ, જુનિયર ઇજનેર, પ્લાન્ટ એટેન્ડન્ટ, લેબ ટેસ્ટેટર અને જુનિયર આસિસ્ટન્ટ સહિત કુલ ૨૯૨ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળતી થઈ છે. ઊર્જા ઉત્પાદન, વહન અને સ્ટોરેજ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર થવાથી ગુજરાતે વર્ષ ૨૦૦૨ થી ૨૦૨૬ દરમિયાન નવી ઊંચાઈઓ સર કરી છે. જેના પરિણામે ગુજરાતમાં રહેણાંક, ખેતી અને ઉદ્યોગોને સતત તેમજ ગુણવત્તાયુક્ત વીજળી મળી રહી છે. આ સફળતામાં ઊર્જા વિભાગના કર્મયોગીઓનું પ્રદાન ખૂબ જ અગત્યનું રહ્યું છે એટલું જ નહીં આ નવનિયુક્તિ યુવાનોની ભરતીથી ઊર્જા વિભાગને વધુ બળ મળશે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ નવનિયુક્ત ઉમેદવારો જ્યારે તેમના જીવનની નવી કેડીને કંડારી રહ્યા છે ત્યારે દિવાળી જેવા દિવસ માટે શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ કહ્યું હતું કે, આ ભરતી પરીક્ષામાં સહભાગી થયેલા હજારો યુવાનોમાંથી નવનિયુક્ત ઉમેદવારોને પરીક્ષા પાસ કરી રાષ્ટ્રની સેવા માટે યોગદાન આપવાની તક મળી છે જે ગૌરવની વાત છે.
GSECLના મેનેજીંગ ડાયરેકટર સોમેસ બંદોપાધ્યાયે નવ નિયુક્ત ઉમેદવારોને ઊર્જા પરિવારમાં આવકારતા કહ્યું હતું કે, આજે આપણા પરિવારમાં વિવિધ સંવર્ગમાં નવનિયુક્ત ૧૩૦ જુનિયર ઇજનેરો, ૧૧ ડોક્ટરો, ૪ નર્સ, બે આરસીપીટી, ૯૪ પ્લાન્ટ અટેન્ડન્ટસ, ૧૨ લેબ ટેસ્ટર્સ તથા ૩૨ જુનિયર આસિસ્ટન્ટ આમ કુલ ૨૯૨ યુવાનો સેવામાં જોડાવાથી રાજ્યના વીજ ઉત્પાદન એકમોમાં કામગીરીની કાર્યક્ષમતામાં વધારો થશે.


