
લખનૌઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે અત્યાર સુધીમાં મહાકુંભમાં લગભગ 42 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે અને હજુ પણ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ મહાકુંભ પહોંચ્યાં હતા. તેમજ બંને નેતાઓએ પવિત્ર ડુબકી લગાવી હતી.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પ્રયાગરાજ પહોચ્યાં હતા. જ્યાંથી મહાકુંભમાં પહોંચીને પવિત્ર સ્નાન કર્યું હતું. દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે, આજે હું તીર્થરાજ પ્રયાગની પવિત્ર ભૂમિ પર આવ્યો છું. રાજ્યના તમામ રહેવાસીઓ વતી અહીં શ્રદ્ધાનો ડૂબકી લગાવવા માટે. ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી શુભકામનાઓ. જેમણે આ ભવ્ય મહાકુંભનું કાર્યક્ષમ આયોજન કર્યું.
બે દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તે પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પવિત્ર ડુબકી લગાવી હતી. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રયાગરાજ ગયા હતા. જ્યાં તેમણે મહાકુંભમાં હાજરી આપીને ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને મા ગંગાની પુજા-અર્ચના કરી હતી.