
મહારાષ્ટ્રઃ નશીલી દવાઓની ફેક્ટરી ચલાવનાર કુખ્યાત ડ્રગ્સ માફિયાને UAE થી ભારત લવાયો
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નાર્કોટિક્સ કેસમાં વોન્ટેડ ગુનેગાર કુબ્બાવાલા મુસ્તફાને ભારત પ્રત્યાર્પણ કર્યો હતો. CBI એ જણાવ્યું હતું કે તેણે ઇન્ટરપોલ ચેનલો દ્વારા કુબ્બાવાલા મુસ્તફાને પરત લાવવાનું સફળતાપૂર્વક સંકલન કર્યું છે. કુબ્બાવાલા મુસ્તફા મુંબઈ પોલીસનો વોન્ટેડ ગુનેગાર છે.
CBI ના આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર એકમે NCB-અબુ ધાબી સાથે મળીને રેડ નોટિસ હેઠળ વોન્ટેડ કુબ્બાવાલા મુસ્તફાને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. મુંબઈ પોલીસની ચાર સભ્યોની ટીમ કુબ્બાવાલા મુસ્તફાને પરત લાવવા માટે દુબઈ ગઈ હતી. દરમિયાન આ ટીમ શુક્રવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચી હતી. ઇન્ટરપોલ દ્વારા NCB-અબુ ધાબી સાથે સઘન કાર્યવાહી દ્વારા CBI દ્વારા ગુનેગારને UAE માં પહેલાથી જ શોધી કાઢવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના સાંગલીમાં સિન્થેટિક ડ્રગ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ચલાવવા બદલ મુંબઈના કુર્લા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR હેઠળ કુબ્બાવાલા મુસ્તફાને મુંબઈ પોલીસ વોન્ટેડ ગણાવી રહી હતી. કુબ્બાવાલા મુસ્તફા અને અન્ય લોકો સાથે જોડાયેલી આ ફેક્ટરીમાંથી 126.141 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
કુબ્બાવાલા મુસ્તફા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને અદાલત દ્વારા તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસની વિનંતી પર, CBI એ ગયા વર્ષે નવેમ્બરમાં INTERPOL દ્વારા આ કેસમાં રેડ નોટિસ પ્રકાશિત કરી હતી. INTERPOL દ્વારા પ્રકાશિત રેડ નોટિસ વોન્ટેડ ગુનેગારોને ટ્રેક કરવા માટે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવે છે.