
મણિપુરને મળી વિકારની મોટી ભેટ : પીએમ મોદીએ રૂ. 7 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યું
ઇમ્ફાલઃ લાંબા સમયથી જાતિઅહિંસાથી જર્જરિત મણિપુરના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યને વિકાસની ભેટ આપી છે. પીએમ મોદીએ આજે કુલ રૂ. 7 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યું હતું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ્સ મણિપુરના લોકજીવનને સરળ બનાવશે, ખાસ કરીને હિલ્સમાં વસતા ટ્રાઈબલ સમાજના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તેમણે ઉમેર્યું કે ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ઉડી શક્યું ન હતું, પરંતુ તેઓ રોડ માર્ગે પહોંચ્યા હતા. રસ્તામાં હાથમાં તિરંગો લઈ મણિપુરના લોકોએ જે રીતે તેમનું સ્વાગત કર્યું, તે તેઓ કદી ભૂલી નહીં શકે. પીએમ મોદીએ કહ્યું, “આ પ્રેમ માટે હું મસ્તક નમાવી સૌને નમન કરું છું.”
મણિપુરને ભારતના વિકાસનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે મણિપુરના નામમાં જ ‘મણિ’ છે, અને આ જ મણિ ભવિષ્યમાં સમગ્ર નોર્થ-ઈસ્ટને ઝગમગતું બનાવશે. ભારત સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે મણિપુરને વિકાસના માર્ગે ઝડપી આગળ વધારવામાં આવે. પીએમ મોદીએ તાજેતરમાં ટેકરી અને ખીણના અલગ-અલગ ગ્રુપ્સ સાથે થયેલા કરારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ ભારત સરકારના સંવાદ, સન્માન અને પરસ્પર સમજ પર આધારિત પ્રયત્નો છે, જેનો હેતુ મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાનો છે. તેમણે સૌ સંગઠનોને શાંતિના માર્ગે આગળ વધવા અને પોતાના સપનાઓ પૂર્ણ કરવા અપીલ કરી. “ભારત સરકાર મણિપુરના લોકોને સાથે છે,” એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
પીએમ મોદીએ વિકાસ કાર્યો પર પ્રકાશ પાડતાં કહ્યું કે પહેલાં ગામોમાં પહોંચવું અત્યંત મુશ્કેલ હતું, પરંતુ હવે અનેક ગામો સુધી રોડ કનેક્ટિવિટી પહોંચી ગઈ છે, જેનાથી ખાસ કરીને ટેકરી વિસ્તારમાં વસતા આદિવાસી ગામોને લાભ થયો છે. તેમની સરકાર દરમિયાન મણિપુરમાં રેલ કનેક્ટિવિટીની પણ ઝડપી પ્રગતિ થઈ છે. જિરીબામ-ઇમ્ફાલ રેલ્વે લાઇન બહુ જલ્દી રાજધાની ઇમ્ફાલને નેશનલ રેલ નેટવર્ક સાથે જોડશે. ભારે વરસાદ હોવા છતાં પીએમ મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોના જુસ્સાને સલામ કરતાં કહ્યું કે *“હું તમારા આ પ્રેમ અને જજ્બા માટે આભારી છું.”