મણિપુરઃ ચુરાચંદપુરમાંથી 40 Kg વિસ્ફોટકો સાથે લોંગ રેન્જ રોકેટ જપ્ત
નવી દિલ્હીઃ મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સુરક્ષાદળોએ વિશાળ શોધખોળ અભિયાન દરમિયાન લગભગ 40 કિગ્રા વિસ્ફોટકોથી ભરેલું લોંગ રેન્જ રોકેટ જપ્ત કર્યું છે. આ સાથે રોકેટ લોન્ચિંગ સ્ટેન્ડ, બેટરી પેક અને પાંચ બોરી રેતી પણ મળી આવી છે, જેને કારણે વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ છે.
અધિકારીઓ અનુસાર, જપ્ત કરાયેલ આ રોકેટ અત્યાર સુધીનું સુરક્ષાદળોનું સૌથી મોટું ઓપરેશનલ સાબિતી ગણવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ચુરાચંદપુર, કાંગપોકપી અને ઇમ્ફાલ પશ્ચિમ એમ આ ત્રણ જિલ્લાઓમાંથી પણ મોટી માત્રામાં હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું પ્રમાણે રાજ્યના સંવેદનશીલ અને પહાડી વિસ્તારોમાં છેલ્લા અનેક સપ્તાહથી સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનાં મુખ્ય હેતુ હથિયારોની દાણચોરી રોકવી, ગેરકાયદે સમુહોની ગતિવિધી પર નિયંત્રણ અને રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાનું જતન કરવાનું છે.
સુરક્ષાદળો સરહદી વિસ્તારમાંથી હથિયારોની સપ્લાયને અટકાવવા માટે દરેક સંભાવિત સ્થાનોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે અભિયાન દરમિયાન સતત સફળતા મળી રહી છે અને આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થઈ શકે છે.


