અમદાવાદ, 10 એપ્રિલ 2026: Middleman caught taking bribe of 70,000 on behalf of police constable શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપીને વધુ હેરાન ન કરવા અને નવો ગુનો દાખલ ન કરવા માટે પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ 1.20 લાખની લાંચની માગણી કરી હતી. અને રકઝકને અંતે 70 હજારની લાંચ આપવાનું નક્કી કરાયું હતું, આરોપીના ભાઈએ પ્રથમ રૂપિયા 20 હજાર વચેટિયાને ઓનલાઈન ફોનપેથી ચુકવી આપ્યા હતા. બાકીના રૂપિયા 50 હજાર આપવાનું કહ્યું હતું. પણ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીને ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યુ હતું. અને વચેટિયો બ્રિજેશ શ્રીમાળી કોન્સ્ટેબલ વતી 50 હજારની લાંચ લેતા પકડાયો છે, એસીબીએ સરખેજ સર્કલ પાસે છટકું ગોઠવી વચેટિયાની ધરપકડ કરી છે. જ્યારે આરોપી કોન્સ્ટેબલ હાલ ફરાર થઈ ગયો છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં નાણાકીય છેતરપિંડીના એક ગુનામાં આરોપીની ધરપકડ કરી તેને સાબરમતી જેલ મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ કરી રહેલા કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ આરોપીના ભાઈ પાસે ચાર્જશીટ ઝડપથી ફાઇલ કરવા, જામીન અપાવવામાં મદદ કરવા અને અન્ય કોઈ ગુનો દાખલ ન કરવાના બહાને કુલ ₹1.20 લાખની માંગણી કરી હતી. અંતે રકઝક બાદ ₹70 હજાર આપવાનું નક્કી થયું હતું. આ સોદાબાજીના ભાગરૂપે આરોપીના ભાઈએ અગાઉ ₹20,000 ફોન પે મારફતે વચેટિયા બ્રિજેશ શ્રીમાળીને ચૂકવી દીધા હતા. બાકીના ₹50,000 આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે સરખેજ સર્કલ નજીક આવેલા ‘ઉપસરપંચ ટી સ્ટોલ’ પર છટકું ગોઠવ્યું હતું.
વચેટિયો બ્રિજેશ શ્રીમાળી જ્યારે કોન્સ્ટેબલ વતી બાકીના ₹50,000ની રોકડ રકમ સ્વીકારવા આવ્યો ત્યારે એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહીની ગંધ આવી જતાં મુખ્ય આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ એસીબીએ વચેટિયા વિરુદ્ધ કાર્યવાહી કરી ફરાર કોન્સ્ટેબલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


