1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવ-થરાદના નાણી ગામે PM મોદીની સભાને લીધે મંત્રીઓએ આગોતરી તૈયારીની કરી સમીક્ષા
વાવ-થરાદના નાણી ગામે PM મોદીની સભાને લીધે મંત્રીઓએ આગોતરી તૈયારીની કરી સમીક્ષા

વાવ-થરાદના નાણી ગામે PM મોદીની સભાને લીધે મંત્રીઓએ આગોતરી તૈયારીની કરી સમીક્ષા

0
Social Share

થરાદ, 27 માર્ચ 2026: Ministers review advance preparations for PM’s meeting રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 31મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન  વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના આગમનને લીધે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે તૈયારીઓની સમીક્ષા કરવા અને તંત્રને જરૂરી સુચના આપવા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સુરક્ષા અને જન સુવિધાના આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

લાખણી ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં મંત્રીઓએ વિવિધ સરકારી વિભાગોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં આવનાર જનમેદની માટે પીવાના ઠંડા પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં છાંયડો અને આરોગ્યની તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દૂર-દૂરથી આવતા નાગરિકો માટે એસ.ટી. બસોનું સુચારુ સંચાલન, વાહન પાર્કિંગ, રસ્તાઓનું સમારકામ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

મંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે વડાપ્રધાનનું આગમન હંમેશા ગુજરાત અને સરહદી વિસ્તારના વિકાસ માટે ઉત્સાહ લાવે છે. તેમણે નર્મદાના નીર અને માળખાગત સુવિધાઓમાં થયેલી ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લાખોની સંખ્યામાં ઉમટી પડનારી જનમેદનીને કોઈ તકલીફ ન પડે તે માટે પાણી, બેઠક વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જેવી પાયાની બાબતો પર ધ્યાન આપવા જણાવ્યું હતું.  જ્યારે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ અને વિકાસની ગાથાને ઉજવવાના આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને સભા વ્યવસ્થાની સુરક્ષા અને સુવિધા સુધીની દરેક બાબતમાં વિશેષ કાળજી લેવામાં આવશે. છેવાડાના ગામડાઓમાંથી આવતા લોકો માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ બેઠક અને નિરીક્ષણ દરમિયાન દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા અગ્રણી નરેશ ઠાકોર, કીર્તિસિંહ વાઘેલા તેમજ વાવ-થરાદ જિલ્લા કલેકટર જે. એસ. પ્રજાપતિ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, એમ.જે. દવે સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code