
- લારીઓ, ટેબલ, જાળી, કેરેટ તથા અન્ય છુટક સામાન. જપ્ત કરાયો,
- શાકભાજી માર્કેટ બહાર પાથરણાવાળાને હટાવીને રોડ ખૂલ્લો કરાયો,
- મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ કામગીરી ચાલુ રખાશે
ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના હેવમોર ચોક, શાકમાર્કેટ એમ.જી રોડ, વોરા બજાર અને પીરછલ્લા માર્કેટ સહિતના વિસ્તારમાંથી ગેરકાયદેસર કરાયેલા નાના-મોટા દબાણો દૂર કરાયા હતાં, તથા કેટલી જગ્યાએ મંજૂરી વગર લારીઓ, ટેબલ, જાળી, કેરેટ તથા અન્ય છુટક સામાન. જપ્ત કરવામાં આવ્યો હતો. મ્યુનિની દબાણ હટાવ ઝૂંબેશને લીધે રોડ પર બેસીને ધંધો કરતા નાના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ભાવનગર શહેરના હ્ર્દય સમાન ગણાતો એમજી રોડ, પીરછલ્લા, હેવમોર ચોક, શાકમાર્કેટ, વારા બજાર, સહિતના રોડ પર વ્યાપક પ્રમાણમાં દબાણોને લીઘે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગેની ફરિયાદો ઉઠતા મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝંબેશ શરૂ કરવામાં આવી હતી. દબાણ હટાવ વિભાગનો કાફલાએ શહેરના હેવમોર ચોક, શાકમાર્કેટ, એમજી રોડ, વોરા બજાર અને પીરછલા માર્કેટ પરથી અસ્થાયી દબાણો દૂર કરી 13 જેટલી લારીઓ, 5 જેટલા ટેબલો, 3 જેટલી જાળી, 5 કેરેટ શાકભાજી ભરેલા, 3 બોરા કટલેરીનો સામાન અને અન્ય છૂટક સામાન જપ્ત કર્યો હતો તેમજ રોડ પરથી 13 જેટલી ટાંગણીઓ અને 7 જેટલા પાથરણાઓ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.