
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી 31 ડિસેમ્બર 2024 સુધી ધાર્મિક ઉત્પીડનથી બચવા આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના સભ્યોને પાસપોર્ટ કે અન્ય પ્રવાસ દસ્તાવેજો વિના પણ ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.
સુત્રોના જણાવ્યા મુજબ, ગયા વર્ષે લાગુ કરાયેલા નાગરિકતા (સંશોધન) અધિનિયમ – CAA મુજબ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવેલા આવા અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. તાજેતરમાં અમલમાં આવેલા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (સિટીઝનશિપ) એક્ટ, 2025 હેઠળ જાહેર કરાયેલા આ આદેશથી મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને 2014 બાદ ભારત આવેલા પાકિસ્તાની હિંદુઓને મોટી રાહત મળશે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ, જેમણે ધાર્મિક ઉત્પીડન અથવા તેના ભયને કારણે ભારતમાં આશ્રય લીધો છે અને 31 ડિસેમ્બર 2024 સુધી વિધિવત દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશ કર્યો છે, તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે.”