
ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં 100ટકાથી વધુ વરસાદ
ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહ્યું છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 100ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સારા વરસાદને કારણે રાજ્યમાં જળસંગ્રહ માટે પણ ઉત્તમ તક મળી છે. રાજ્યના જળાશયો અને તળાવોમાં નવા નીરની આવક થવાથી પાણીની સમસ્યા હળવી થશે અને આગામી દિવસોમાં પીવાના પાણી અને ખેતી માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. આ સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે.
રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી છે, પરંતુ સાથે જ જળબંબાકારની સ્થિતિએ જનજીવનને અસર પહોંચાડી છે.