
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદને ખૂલ્લી મુકી. આ પ્રસંગે સંબોધન કરતાં, અમિત શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ—અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટા સ્ટાર્ટ-અપ માળખું બન્યો છે. અમિત શાહે સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને નવા ભારતના કરોડરજ્જૂ સમાન ગણાવી હતી. તેમણે આગામી ત્રણ વર્ષમાં યુવાશક્તિના બળ પર ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોચના દસ દેશોમાં સ્થાન પામશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
અમિત શાહે કહ્યું કે, ગત 11 વર્ષમાં સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારા સાથે નાના શહેરો સુધી અને સમાજના વિવિધ વર્ગ સુધી સ્ટાર્ટઅપની પહોંચ સુનિશ્ચિત થઈ છે. તેમણે કહ્યું, દેશમાં 10 વર્ષમાં 17 લાખ 90 હજારથી વધુ લોકોને સ્ટાર્ટ-અપ દ્વારા રોજગારી મળી છે. આ પ્રસંગે અમિત શાહે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને યુવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા હાકલ કરી હતી અને યુવા ઉદ્યોગ સાહસિકોને કૃષિ પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ શરૂ કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ રહેલી આ બે દિવસીય પરિષદમાં એક હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ, 5 હજાર ઇનોવેટર્સ, 100 ઉદ્યોગ માર્ગદર્શક સહિતના લોકો ભાગ લઈ રહ્યા છે. તેના ભાગરૂપે યોજાઈ રહેલા પ્રદર્શનમાં 20 રાજ્યના 170થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે.