
અમદાવાદઃ ગુજરાતમાં બેદરકારીભર્યું ડ્રાઇવિંગ અને ઓવરસ્પીડિંગ સતત જીવલેણ સાબિત થઈ રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2023ના અહેવાલ મુજબ, રાજ્યમાં એક વર્ષ દરમિયાન ઓવરસ્પીડના કારણે 6,594 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 12,653 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અહેવાલ મુજબ, ગુજરાતમાં ઓવરસ્પીડના કુલ 14,018 કેસ નોંધાયા હતા. સમગ્ર દેશમાં જોવામાં આવે તો ઓવરસ્પીડના કારણે સૌથી વધુ મોત તમિલનાડુ (11,153)માં થયા છે, ત્યારબાદ કર્ણાટક (11,174), મહારાષ્ટ્ર (10,167), રાજસ્થાન (6,655) અને પછી ગુજરાત (6,594)નું સ્થાન છે.
રાજ્યમાં બેદરકારીભર્યા ડ્રાઇવિંગ અને ખોટી રીતે ઓવરટેક કરવાના કારણે પણ જાનહાનિ થઈ છે. વર્ષ 2023માં આવા 1,517 કેસ નોંધાયા હતા, જેમાં 1,812 લોકો ઈજાગ્રસ્ત થયા અને 816 લોકોએ જીવ ગુમાવ્યો હતો. શહેરવાર આંકડાઓમાં અમદાવાદ સૌથી આગળ છે, જ્યાં ઓવરસ્પીડના 1,743 કેસ નોંધાયા હતા. આ અકસ્માતોમાં 1,314 લોકો ઈજાગ્રસ્ત થયા અને 523 લોકોના મોત થયા હતા. સુરતમાં 304, રાજકોટમાં 174, અને વડોદરામાં 184 લોકોના મોત નોંધાયા હતા.
ટ્રાફિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધતા વાહન વ્યવહાર અને નિયમોના ઉલ્લંઘનને કારણે માર્ગ અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેઓએ જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું કડક પાલન અને સ્પીડ લિમિટનું પાલન કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.