ગાંધીનગર, 20 માર્ચ 2026: MOU signed between Central and State Governments under Jal Jeevan Mission મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે જલ જીવન મિશન 2.0 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ એમઓયુ (MoU) સંપન્ન થયાં છે. આ વેળાએ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારો સહિત દરેક ખૂણે પૂરતું સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા કરાયેલા આ એમઓયુ રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની દરેક યોજનાઓનું અગ્રતાના ધોરણે સફળ અમલીકરણ કરે છે. જલ જીવન મિશન 2.0 અંતર્ગત થયેલા આ એમ.ઓ.યુ. રાજ્યના ગ્રામ્ય વિકાસમાં એક માઈલસ્ટોન સાબિત થશે. દરેક ઘરમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવાનો સંકલ્પ હવે વધુ દ્રઢતા સાથે આગળ વધશે.
જલ જીવન મિશનની શરૂઆત 15 ઓગસ્ટ 2019ના રોજ “હર ઘર જલ”ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી, જેમાં દરેક ગ્રામ્ય ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ગુજરાતે આ લક્ષ્યાંક ઓક્ટોબર 2022 સુધીમાં સફળતાપૂર્વક હાંસલ કર્યો છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે. હવે જલ જીવન મિશન 2.0 અંતર્ગત 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું વધુ મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ એમઓયુ દ્વારા યોજનાઓના અસરકારક અમલીકરણ, મોનીટરીંગ અને પારદર્શિતામાં વધારો થશે. આ એમ.ઓ.યુ. મુજબ રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સતત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ “Har Ghar Jal” પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો વધુ વેગવાન બનશે.


