
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ: કુલ 508 કિમીમાંથી 317 કિમી વાયડક્ટનું નિર્માણ થઈ ચૂક્યું
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 27 ઓગસ્ટ, 2025 સુધીના અપડેટ્સ અનુસાર, પ્રોજેક્ટ અનેક મહત્ત્વના તબક્કામાં નોંધપાત્ર પ્રગતિ કરી ચૂક્યો છે. આ કોરિડોરની કુલ લંબાઈ 508 કિમી છે, જેમાંથી 352 કિમી ગુજરાત અને દાદરા નગર હવેલી (DNH)માં અને 156 કિમી મહારાષ્ટ્રમાં છે.
- પ્રોજેક્ટની મુખ્ય પ્રગતિ
વાયડક્ટ અને થાંભલાઓનું નિર્માણ: કુલ 508 કિમીમાંથી 317 કિમી વાયડક્ટનું નિર્માણ થઈ ચૂક્યું છે. થાંભલા (પિલર)નું કામ 396કિમી અને થાંભલા ફાઉન્ડેશનનું કામ 407કિમી સુધી પૂર્ણ થયું છે. 337કિમી સુધી ગર્ડર કાસ્ટિંગનું કામ પણ પૂરું થઈ ગયું છે.
પુલ અને ટનલના કામ: 17 નદીઓ પરના પુલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં ગુજરાતની મુખ્ય નદીઓ જેવી કે પાર, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, વિશ્વામિત્રિ અને દમણ ગંગા પરના પુલનો સમાવેશ થાય છે. આઠ સ્ટીલ પુલ અને પાંચ પ્રિ-સ્ટ્રેસ્ડ કોંક્રીટ (PSC) પુલ પણ પૂર્ણ થયા છે. મહારાષ્ટ્રમાં બીકેસીથી શિલફાટા વચ્ચે 21કિમી લાંબી ટનલનું કામ ચાલી રહ્યું છે, જેમાંથી 4.5 કિમીનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. પાલઘર જિલ્લામાં સાત પર્વતીય ટનલમાંથી 2 કિમીનું હેડિંગ કામ પૂરું થયું છે.
સ્ટેશન અને ટ્રેકનું કામ: ગુજરાતમાં આવેલા તમામ આઠ સ્ટેશનોનું સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે આંતરિક કામગીરી અને ફિનિશિંગ ઝડપથી ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સ્ટેશન પર બેઝ સ્લેબનું અને વિરાર-બોઈસર સ્ટેશન પર પ્રથમ સ્લેબનું કામ પણ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં લગભગ 198 કિમી ટ્રેક બેડનું નિર્માણ પૂર્ણ થયું છે. વાયડક્ટ પર 200મીટર લાંબા પેનલ બનાવવા માટે રેલ્સનું વેલ્ડિંગ પણ ચાલી રહ્યું છે. સુરત-બિલીમોરા વચ્ચે 40કિમીના માર્ગ પર 1600થી વધુ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) માસ્ટ લગાડવામાં આવ્યા છે. વાયડક્ટ પર ધ્વનિ અવરોધક (સાઉન્ડ બેરિયર) લગાડવાનું કામ પણ પ્રગતિમાં છે, જેમાં 195કિમીના રૂટ પર લગભગ 3.90લાખ ધ્વનિ અવરોધકો સ્થાપિત કરવામાં આવ્યા છે.